ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી રૂપિયા 7 લાખથી વધુના દારૂના જથ્થા સાથે રૂ. 11.09 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સહીત 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.અંકલેશ્વર : ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો મહારાષ્ટ્રનો ટ્રકચાલક ઝડપાયો, રૂ. 11.09 લાખનો મુદ્દામાલ જપ્ત...
ભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તરફથી બંધ બોડીનો ટ્રક નંબર MH 04 FU 8701માં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર તરફ આવી રહ્યો છે, જેવી બાતમીના આધારે GIDC પોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી, ત્યારે બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા જુના ખાલી કેરેટ નજરે પડ્યા હતા. જોકે, પોલીસે બારીકાઇથી તપાસ કરતા ટ્રકના છત પાસે બનાવેલ ચોરખાનું મળી આવ્યું હતું. જેમાંથી વિદેશી દારૂની 4884 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 7 લાખનો દારૂ અને રૂ. 4 લાખની ટ્રક મળી કુલ રૂ. 11.09 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મહારાષ્ટ્રના થાણેના પેન્કરપાડા ખાતે રહેતા ટ્રક ચાલક સહિત ક્લીનરને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.