Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિત અન્ય સુવિધાનો અભાવ, યુવા કોંગ્રેસની તંત્રને રજૂઆત...

ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક ટી-બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ બ્રિજ નિર્માણ પામ્યો છે, ત્યારથી આજદિન સુધી અહી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહી અકસ્માતોના બનાવમાં સતત વધારો થતાં કેટલાક લોકોને તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે, ત્યારે આ મામલે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ ગડખોલ પાટિયા ખાતે અગાઉ ઉગ્ર આંદોલન સાથે ચક્કાજામ પણ કર્યો હતો.

પરંતુ આજદિન સુધી અહીની પાયાની સમસ્યાનો અંત ન આવતા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનું ડેલીગેશન વિસ્તારના ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે આવેદન પત્ર આપવા પહોચ્યા હતા. પરંતુ ધારાસભ્યનું કાર્યાલય બંધ હોવાથી તેઓ તાલુકા પંચાયત કચેરીએ પહોચતા ત્યાં પણ પ્રમુખ હાજર ન હોવાથી તાલુકા વિકાસ અધિકારીને આ મામલે આવેદન પત્ર પાઠવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. સમગ્ર રજૂઆત દરમ્યાન અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, ઉપપ્રમુખ હેમંત પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાળા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, શહેર આદિજાતિ સેલના પ્રમુખ અર્જુન વસાવા, સિકંદર કડીવાળા, અરુણ વસાવા, મુકેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story