Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : દિવાળી પહેલાં મળી પાલિકાની સભા, ડમ્પિંગ સાઇટ પર ચોરી સહિતના મુદ્દા ઉછાળ્યાં

વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.

X

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્યસભામાં સુકાવલી ડમ્પિંગ સાઇટ પર થયેલી ચોરી અને જીનવાલા સ્કુલના રીનોવેશનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ઉઠાવી વિપક્ષે શાસકોને ઘેર્યા હતાં.અંકલેશ્વર નગર પાલિકાની શનિવારે મળેલી સામાન્ય સભા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપરથી લાખોની ચોરી અને જીનવાલા સ્કૂલના નવીનીકરણમાં ભ્રષ્ટાચારના મુદ્દે તોફાની બની હતી. વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી. પ્રમુખ વિનય વસાવા અને મુખ્ય અધિકારી કેશવ કોલડીયાની ઉપસ્થિતિમાં મળેલી સભામાં એજન્ડા ઉપર મુકાયેલા 39 કામોને આવરી લેવાયા હતા.

નગરમાં માળખાકીય સુવિધા, પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા માટે વિકાસના કામો માટે ₹5 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તમામ 9 વોર્ડ દીઠ ₹25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી.વિપક્ષ કોંગ્રેસના સભ્યો અને વિરોધ પક્ષના નેતા જહાંગીરખાન પઠાણે સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપરથી લાખોના સામાનની ચોરી અને ઇ.એન.જિનવાલા સ્કૂલના નવીનીકરણમાં થયેલો લાખોના ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધવતા બે મુદ્દે સભા તોફાની બની હતી. શાસક પક્ષ ભાજપ દ્વારા બન્ને મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યોની કમિટી બનાવી નિષ્પક્ષ તપાસની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો. સભામાં ચોમાસામાં ધોવાયેલા રસ્તાના સમારકામનો મુદ્દો પણ ઉઠ્યો હતો. જેમાં હાલમાં ફળવાયેલી ₹5 કરોડ ગ્રાન્ટમાંથી રોડ રસ્તાના કામને આવરી લેવાંમાં આવશે તેમ શાસક પક્ષ ભાજપે જણાવ્યું હતું.

Next Story