/connect-gujarat/media/post_banners/1e96a0e978e757efaec9ab3dca2b27f91738fd719b30cca61bd7396e9b5dc296.jpg)
અંકલેશ્વર શહેર નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે આવતી છે, ત્યારે પાણીના બગાડ સામે લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.
જીવસૃષ્ટિ માટે ઉપયોગી એવા મુખ્ય પાણી બાબતે સૌકોઈ ચિંતિત હોય છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની ઉકાઈ કોલોની સ્થિત પાણીની ટાંકીના વાલના સમારકામ કરવા હેતુસર 5 લાખ લિટર પાણીથી ભરેલી ટાંકીનું પાણી રેલ્વે સ્ટેશનથી પીરામણ ગામને જોડતા મુખ્ય માર્ગ પર છોડી મુકાતા જળબંબાકાર સાથે નગરપાલિકાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ જ શહેરના રસ્તાઓ પર પાણીનો બગાડ કરતા લોકોને નોટિસ પાઠવી દંડ ફટકારવાની વાત કરવામાં આવી હતી ત્યારે, "ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે" તેવો ઘાટ અંકલેશ્વર નગરપાલિકાનો સામે આવ્યો છે. લોકોને પાણી બગાડ ન કરવાના ઉદ્દેશ આપનાર પાલિકાના સત્તાધીશો પોતાની અણઆવડતના કારણે લાખો લિટર પાણીનો બગાડ કરી રહ્યા છે.