Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પેટ્રોલ પંપ પર ફાયરિંગ સાથે લૂંટ કરનાર 2 આરોપીઓ ગણતરીના સમયમાં હથિયાર સાથે ઝડપાયા

જીલ્લામાં લૂંટારૂઓએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો

X

ભરૂચ જીલ્લામાં બે દિવસમાં પેટ્રોલ પંપ પર લૂંટ અને લૂંટના પ્રયાસના 2 ગુના નોંધાયા હતા આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ જીલ્લામાં લૂંટારૂઓએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો જો કે લુટારુઓ હવે પોલીસ પકડમાં આવી ગયા છે. પ્રથમ બનાવમાં દહેજથી આમોદ જતા રોડ ઉપર ચાંચવેલ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલપંપમાં લૂંટારુઓએ ત્રાટકી કર્મચારીને હથિયાર બતાવી રૂ.30 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા તો બીજા બનાવમાં દયાદરા થી નબીપુર જતા રોડ ઉપર આવેલ રંગ કંપનીના પેટ્રોલપંપના કંપાઉન્ડમાં ત્રણ અજાણ્યા બુકાનીધારી ઇસમોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. બન્ને બનાવ અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઈંટેલિજન્સની મદદથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના રહેવાસી રવિન્દરસિંગ અને અમીતકુમારને ઝડપી પાડી પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

બન્ને આરોપીઓ પિસ્તોલ અને 10 જેટલા કારતૂસ સાથે ત્રણ મારફતે પંજાબથી આવ્યા હતા અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપની રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ઝડપાયેલ આરોપી રવિંદર અગાઉ ભરૂચ જીલ્લામાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય તે ભૌગોલિક પરિસ્થિતીથી વાકેફ હતો. સૌ પ્રથમ આરોપીઓએ ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઇકની ચોરી કરી હતી અને ત્યાર બાદ રાત્રિના સમયે ચાંચવેલ ગામ નજીકના પેટ્રોલ પંપ પર લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો આ બાદ બન્ને આરોપી નબીપુર નજીક આવેલ ગુરુદ્વારામાં પહોંચ્યા હતા જ્યાંથી બીજા દિવસે અન્ય એક ઈસમ સાથે મળી ફરી એકવાર લૂંટના ગુનાનો પ્રયાસ કર્યો હતો અને ફરીથી ગુરૂદ્વારામાં રોકાયા હતા જો કે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પિસ્તોલ 7 કારતૂસ અને મોબાઈલ મળી રૂપિયા 50 હજારનો મુદ્દામલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story