ભરૂચ : રાજપારડીની બેન્કમાંથી આદીવાસી ખેડૂતના નામે લોન લઈ છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

રાજપારડીની બેન્કમાંથી આદિવાસીના નામે રૂપિયા 6 લાખની લોન લઈ છેતરપિંડી કરનાર સરસાડ ગામના ભેજાબાજની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીની બેન્કમાંથી આદિવાસીના નામે રૂપિયા 6 લાખની લોન લઈ છેતરપિંડી કરનાર સરસાડ ગામના ભેજાબાજની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિરી અનુસાર, ઝઘડીયા તાલુકાના અણધરા ગામના આદિવાસી ખેડૂત સુકલ વસાવાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને રૂપિયા ૩ લાખની લોન રાજપારડીની બેન્ક ઓફ બરોડામાંથી વર્ષ 2014માં લીધી હતી. ત્યારબાદ સરસાડ ગામના કિરીટસિંહ મહિડા અને રાજપારડીના ગણેશ વાળંદ દ્વારા તેમના નામે રૂપિયા 6 લાખની લોન પણ લેવામાં આવી હોવાની જાણ થઇ હતી. જોકે, બેન્ક દ્વારા વ્યાજની ઉઘરાણી કરવામાં આવી, ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

જેમાં કિરિટસિંહ મહિડા, ગણેશભાઇ વાળંદ અને તે વખતના બેન્ક મેનેજર ઠાકોર પરમાર વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડીયા તાલુકામાં આદિવાસી ખેડૂતના નામે બારોબાર લોન લેવાના કૌભાંડમાં ૩ પૈકી એક આરોપી કિરીટસિંહ મહીડાને રાજપારડી પોલિસે ઝડપી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, આ સાથે જ અન્ય 2 આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.