Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળવા બીજા દિવસે પણ દાવેદારોની દોડધામ...

X

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતની વરણી માટે સતત બીજા દિવસે પણ ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતની વરણી માટે ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા શુક્રવારથી 2 દિવસીય સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાય છે, ત્યારે આજે બીજા દિવસે પણ ભરૂચ અને અંકલેશ્વર પાલિકા અને પંચાયત માટે સેન્સ લેવાઈ હતી. ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષી જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં તા. 14 સપ્ટેમ્બરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગતરોજથી ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે પ્રદેશ ભાજપ નિરીક્ષક શબ્દશરણ તડવી, લાલસિંહ વડોદરિયા અને અસ્મિતા શિરોયાએ દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે રાજકીય મેળાવડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ભરૂચ નગરપાલિકામાં નીનાબા યાદવ અને વિભૂતિ યાદવની સાથે હેમુ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે, જ્યારે અંક્લેશ્વરમાં ક્લ્પના મેરાઇ, જ્યોત્સના રાણા, મનીષા પટેલ અને કિંજલ ચૌહાણનું નામ ચર્ચામાં છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં ધર્મેશ મિસ્ત્રી સૌથી આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પણ ભાજપ તેની સ્ટાઈલ મુજબ છેલ્લી ઘડીએ કઇ નવાજુની કરે તેવી પ્રબળ સંભાવના છે. જિલ્લાની ભરૂચ અને અંકલેશ્વર સહિતની નગર પાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી સામાન્ય બેઠક છે. તેમજ જિલ્લા પંચાયતમાં પ્રમુખની બેઠક પણ સામાન્ય આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળવા માટે મુરતિયાઓ દોડધામ કરી રહ્યાં હોય, ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ સાથે મલાઇદાર પદ મેળવવા માટે દાવેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ભરૂચ જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતો માટે પણ દાવેદારો અંગે તેઓ પ્રદેશ નિરીક્ષકો મંતવ્યો જાણી મોવડી મંડળમાં અહેવાલ આપનાર છે. પ્રથમ દિવસે સેન્સ પ્રક્રિયાની શરૂઆત જંબુસર, આમોદ, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે ભરૂચ અને અંકલેશ્વર શહેર અને તાલુકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ સહિતના જિલ્લાના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.

Next Story