Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉનાળાના આરંભે જ કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉદ્દભવી પીવાના પાણીની સમસ્યા..!

ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉનાળાના આરંભે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે,

X

ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉનાળાના આરંભે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે, ત્યારે આગામી એક સપ્તાહ સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો NSUIના નેજા હેઠળ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. તેમાંય ખાસ કરીને ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજમાં 2800થી વધુ વિદ્યાર્થીઓને ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. આ મામલે કોલેજના સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનો નિકાલ નહીં આવતા વિદ્યાર્થીઓ આંદોલનના મૂડમાં આવી ગયા છે.

કે.જે.પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. કોલેજની 7 જેટલી પાણીની પરબ બિસ્માર અને નળ તૂટેલા તો, RO પ્લાન્ટ પણ ભંગાર અવસ્થામાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કોલેજના વિદ્યાર્થીઓને પીવાનું પાણી બહારથી ખરીદવું પડે છે, જ્યારે શિક્ષકો માટે કોલેજમાં ખાનગી RO પ્લાન્ટના પાણીના ઠંડા જગ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પીવાના પાણી મુદ્દે કોલેજના આચાર્યને રજૂઆત કરતાં તેઓએ પણ લૂલા બચાવ સાથે આ સમસ્યા બે-ત્રણ દિવસથી ઉદ્દભવી હોવાનું જણાવ્યુ હતું.

જોકે, વિદ્યાર્થીઓએ કોલેજ સત્તાધીશોને પાણીની સુવિધા વહેલી તકે પૂરી પાડવા માટે એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે જ કોલેજમાં પીવાના પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં એટલે કે, એક અઠવાડિયા બાદ NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Next Story