અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગ્રામ્ય પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનાર રાજકોટના યુવાન સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાતમાં લગ્ન પ્રસંગો દરમિયાન ફાયરિંગની ઘટના સામાન્ય બની છે, પરંતુ હવે તો એમાંથી લોકડાયરા પણ બાકાત નથી રહ્યા. અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે આવેલા ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલન યોજાયું હતું. એ અંતર્ગત રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નોટોના વરસાદ વચ્ચે એક શખસે હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ગાયક કલાકાર પણ ડઘાઈ ગયા હતા. ફાયરિંગ કરનાર આ શખસનું નામ વિક્રમ ભરવાડ અને એ રાજકોટનું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફાયરિંગ કરનાર રાજકોટના વિક્રમ ભરવાડ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં લોક ડાયરા પૂર્વે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ હાજરી આપી હતી