Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રસ્તાઓના પેચવર્કના નામે માત્ર લીપાપોતી, તંત્રના કરતુત સામે જનઆક્રોશ

ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે.

X

ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે પણ ભરૂચની વાત કરવામાં આવે તો જંબુસર બાયપાસ ચોકડી પાસે તંત્રએ રીપેરીંગના નામે માત્ર ખાડાઓમાં મેન્ટલો જ નાંખ્યાં છે....

રાજયમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી તરીકે સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીની નિયુકતિ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતાની સાથે તેમણે ખાડા પુરો અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં લોકો પાસેથી ખરાબ રસ્તાઓના ફોટા મંગાવ્યાં હતાં. પહેલી ઓકટોબરથી રાજય ભરમાં ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી... કયાંક ખાડાઓ ખરેખર પુરવામાં આવ્યાં તો કયાંક મંત્રીને સારૂ લગાડવા અધિકારીઓએ લીપાપોતી કરાવી. તંત્રની લીપાપોતીનો ઉત્તમ નમુનો એટલે ભરૂચનો જંબુસર બાયપાસ ચોકડી પાસેનો રસ્તો......

ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે મસમોટા ખાડાઓ પડી ગયાં છે. આ માર્ગ પરથી સૌરાષ્ટ્ર તથા દહેજ તરફથી આવતાં જતાં ભારદારી વાહનો પસાર થાય છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે આ રસ્તો ધોવાય જાય છે. અત્યાર સુધી આ રસ્તાના રીપેરીંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યાં હોવા છતાં દર ચોમસામાં રસ્તો બિસ્માર બની જાય છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, આ રસ્તો કોન્ટ્રાકટર માટે સોનાના ઇંડા આપતી મરઘી જેવો છે.

માત્ર જંબુસર ચોકડી જ નહિ ભરૂચના મોટાભાગના રસ્તાઓના આવા જ હાલ છે. તાજેતરમાં જન આર્શીવાદ યાત્રામાં હાજરી આપવા મંત્રી પુર્ણેશ મોદી ભરૂચ ખાતે આવ્યાં હતાં જયાં તેમણે કહયું હતું કે, તેમને જિલ્લામાંથી રસ્તા બાબતની જે ફરિયાદો મળી હતી તેમાંથી 80 ટકા ફરિયાદોનું નિવારણ લાવી દેવાયું છે. કદાચ સ્થાનિક અધિકારીઓએ મંત્રી સમક્ષ ફુલગુલાબી ચિત્ર રજુ કર્યું હોય તેમ લાગી રહયું છે. ભરૂચ શહેરના રસ્તાઓ જ તમને ડીસ્કો કરાવી રહયાં છે. નગરજનો તો એવો પણ આરોપ લગાવી રહયાં છે કે, સરકાર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો કરી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે પણ રસ્તાઓની સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે..

ભરૂચ શહેરના રસ્તાઓ બાબતે વિપક્ષ કોંગ્રેસ આક્રમક દેખાય રહયું છે. તાજેતરમાં કોંગ્રેસે ખાડા શોધો મહાઅભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવા મુખ્યમંત્રી ભરૂચમાં આવ્યાં ત્યારે રસ્તાઓના તાબડતોડ રીપેરીંગ વખતે પણ વિપક્ષના સભ્યોએ આવી કામગીરી કાયમ થવી જોઇએ તેવી માંગ કરી હતી. કોંગ્રેસ આરોપ પર આરોપ લગાવી રહી છે ત્યારે આવો સાંભળીએ નગરપાલિકાના પ્રમુખ શું કહી રહયાં છે..

Next Story