Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શું જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં? સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યો રાજકીય રંગ

જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલિપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

X

આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવનિર્મિત APMC, રેસ્ટ હાઉસ સહિત ખેડૂત કેન્ટિનના લોકાર્પણ પ્રસંગે આવી પહોચ્યા હતા. આ પ્રસંગે પ્રોટોકોલ મુજબ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું, તે દરમ્યાન હેલિપેડ સ્થળ ઉપર જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ હાજર રહ્યા હતા. જોકે, સંજય સોલંકી ભાજપના નેતાઓની નજરમાં આવતા અનેક રાજકીય અટકળો ઊભી થઈ છે. કનેક્ટ ગુજરાતે સંજય સોલંકીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ તમામ વાતોને રદિયો આપી પોતે પૂર્વ ડિરેક્ટર હોવાના નાતે ગયા હોવાનું અને અતિથિ દેવો ભવની ભારતીય સસ્કૃતીને અનુસર્યા હોવાનું જણાવ્યુ હતું.

જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલિપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. જેના પગલે સંજય સોલંકી ભાજપમાં જોડાય તેવી લોક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, નવા જ રાજકીય નજારા અંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યુ હતું કે, સંજય સોલંકી ભાજપમાં જોડાય કે, ન જોડાય. પરંતુ ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તે વાત નક્કી હોવાનું ભાજપ જિલ્લા પ્રમુખે જણાવ્યુ હતું.

તો બીજી તરફ આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું કે, જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી જે તે સમયે APMC માર્કેટ યાર્ડના ચેરમેન હતા, ત્યારે APMC માર્કેટ તેઓના હસ્તક નિર્માણ પામ્યું હતું. જેથી સ્વાભાવિક છે કે, કોંગ્રેસ હસ્તક APMC માર્કેટ નિર્માણ પામ્યું હોય, ત્યારે જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યા હતા. સંજય સોલંકી કોંગ્રેસ પાર્ટીમાં જ છે અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાના હોવાનું પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યુ હતું. સાથે જ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે જીત મેળવશે તેવો પણ દાવો કર્યો હતો.

અત્રે મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.ખાસ કરીને કોંગ્રેસ તૂટી રહી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરિયા કરે છે કે પંજાને મજબૂત રીતે પકડી રાખે છે એ જોવાનું રહેશે..

Next Story