ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરો પર AIMIMના એક નગરસેવક ભારે પડયાં

નગરપાલિકાની સામાન્યસભા બની તોફાની, વિપક્ષના કામો એજન્ડામાં ન લેવાયાનો આક્ષેપ.

New Update
ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના  કોર્પોરેટરો પર AIMIMના એક નગરસેવક ભારે પડયાં

ભરૂચ નગરપાલિકાની સામાન્યસભામાં AIMIMના એક માત્ર સભ્ય સત્તાધારી ભાજપના 32 સભ્યો પર ભારે પડયાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. તેમણે શાસકોને પાલિકા સત્તાધીશોને ડમ્પીંગ સાઇટ ખાતે ચાલતાં ભ્રષ્ટાચાર બાબતે ભીંસમાં લીધાં હતાં.

ભરૂચ નગરપાલિકાની સામાન્યસભા ડમ્પીંગ સાઇટ સહિતના મુદ્દે તોફાની બની હતી. નગરપાલિકાની સામાન્યસભા પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. સામાન્યસભામાં ભાજપ, કોંગ્રેસ તથા એઆઇએમઆઇએમના નગરસેવકો ઉપસ્થિત રહયાં હતાં. સભાની શરૂઆતમાં જ વિપક્ષના સભ્યોએ તેમના વોર્ડના કામો એજન્ડામાં લેવામાં આવ્યાં ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી દીધો હતો.

નગરપાલિકાની સામાન્યસભામાં સત્તાધારી ભાજપે બહુમતીના જોરે 39 જેટલા કામો મંજુર કરાવ્યાં હતાં. ખાસ કરીને શહેરમાં ભુર્ગભ ગટર યોજનાની શિથિલ ગતિએ ચાલતી કામગીરીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભુર્ગભ ગટર યોજનાની કામગીરી ખોરંભે ચઢી છે. મુખ્યમાર્ગો તથા સોસાયટીના આંતરિક રસ્તાઓ પર કરાયેલાં ખોદકામના લીધે દર ચોમાસામાં સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહયાં છે. આવા સંજોગોમાં પાલિકાના નવ નિયુકત પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી સાત -આઠ મહિનામાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરી પુર્ણ કરી દેવાશે.

નગરપાલિકાની સામાન્યસભામાં આજે AIMIMના કોર્પોરેટર ફહીમભાઇએ ડમ્પીંગ સાઇટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ડમ્પીંગ સાઇટ પર કચરાના નિકાલનું મસમોટુ કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતાં. તેમણે ભ્રષ્ટાચાર માટે સંલગ્ન વિભાગના અધિકારીને જવાબદાર ગણાવી દીધાં હતાં. તેમણે પોતાના મોબાઇલ ફોનમાં કૌભાંડનો વિડીયો શાસકોને બતાવ્યો હતો. તેમની દલીલો સામે ભાજપના સત્તાધીશો બચાવની મુદ્રામાં આવી ગયાં હોય તેમ લાગતું હતું. ભાજપના 32 કોર્પોરેટરો સામે AIMIMના એક કોર્પોરેટર ભારે પડયાં હોય તેમ લાગતું હતું. હવે સાંભળીએ સમગ્ર ઘટનાક્રમ વિશે પાલિકા પ્રમુખનું શું કહેવું છે.

Latest Stories