Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર દ્વારા 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર...

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ

X

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા હતા, ત્યારે આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ગતરોજ રાતે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી, ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 25 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે. જેના પગલે ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.

નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પુરના સંકટ વચ્ચે નગરપાલિકાની રેસક્યું ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવાકાર્યમાં જોડાયા છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના 500 અને ખાલ્પિયા ગામના 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોકે, અત્યાર સુધી જીલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Next Story