Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બિસ્માર રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે શહેર કોંગ્રેસે પાલિકા કચેરીને ગજવી મુકી...

ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે,

X

ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે પાલિકા કચેરી ખાતે શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં જ કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, હાજીખાના બજાર, ડુમવાડ, સેવાશ્રમ રોડ, ફુરજા ચાર રસ્તા, ધોળીકુઈ બજાર, ચકલા વિસ્તાર, કસક અને મકતમપુર સહિત બાયપાસ રોડ જેવા અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ બિસ્માર રોડ-રસ્તા પર પાણી ભરાવવા જેવી સમસ્યાઓ સર્જાય છે. જેના કારણે ભરૂચ શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની ઓફિસ બહાર બેસી ધરણાં કરવામાં આવ્યા હતા. આ સાથે જ યુદ્ધના ધોરણે બિસ્માર રોડ-રસ્તાનું સમારકામ હાથ ધરાય અને સાફ-સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોકી, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ બાબતે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકા દ્વારા લોક સુખાકારી માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ એક સાથે 9થી 10 ઇંચ વરસાદ પડતા પાણીનો ભરાવો થયો હતો, અને એ પણ વરસાદ બંધ થતાં તાત્કાલિક નિકાલ થઈ ગયો હતો. તેવામાં વરસાદના કારણે જે રોડ પર ખાડા પડ્યા છે, તેનું પેચિંગ વર્ક પણ આવનારા સમયમાં કરવામાં આવશે. ભરૂચને શહેરને સારા રોડ-રસ્તા મળી રહે તેવા પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Next Story