ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો આરોપી સામે IPCની 307 સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને તેની સામે કાયદાનો સિકંજો કસાયો છે. મળતી વિગતો અનુસાર ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયા હતા ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી.
ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ કર્તવ્ય રાણા વિવાદમાં આવી ચૂક્યો છે. અગાઉ પ્રોહિબીશનના ગુના પણ તેની ધરપકડ થઈ ચૂકી છે