Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દીલ્હી- મુંબઇ વચ્ચે બની રહેલ એકસપ્રેસ હાઇવેની કામગીરીનું કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કર્યું નિરીક્ષણ

X

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઇ વચ્ચે નિર્માણ પામી રહેલાં ગ્રીનફિલ્ડ એકસપ્રેસ હાઇવેની કામગીરીનું કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીએ નિરિક્ષણ કર્યું હતું અને વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દીલ્હી અને મુંબઇ વચ્ચેનું આશરે 1,300 કીમીનું અંતર કાપતાં 24 કલાકથી વધારેનો સમય લાગતો હોય છે પણ હવે આગામી દિવસોમાં આ સમયગાળો ઘટીને 13 કલાક જેટલો થઇ જશે અને તેનું કારણ છે ગ્રીનફિલ્ડ એકસપ્રેસ હાઇવે. એકસપ્રેસ હાઇવે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોને પણ ઉત્તમ જોડાણ આપશે. આ એકસપ્રેસ હાઇવે અનેક ખાસિયતો ધરાવે છે. પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એશિયાનો આ પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે પ્રાણી ઓવરપાસ ઉપર બનાવવામા આવી રહ્યો છે. દર વર્ષે લગભગ 32 કરોડ લિટર ઇંધણની બચત થશે. એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે તે સાથે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં વાર્ષિક 85 મિલિયન કિ.મી.CO2નો ઘટાડો થશે.ભરૂચમાં કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીએ એકસપ્રેસ હાઇવેની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ વેના નિર્માણ દરમિયાન એક દિવસમાં સૌથી વધારે કીલોમીટરનો આરસીસીનો રસ્તો બનાવી વિશ્વ રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ભરૂચની નર્મદા નદી પર એકસ્ટ્રા ડોટ કેબલ બ્રિજ બની રહયો છે ત્યારે નિતિન ગડકરીએ બ્રિજની પણ મુલાકાત લીધી હતી. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ નિતિન ગડકરીને બ્રિજની કામગીરી વિશે માહિતી આપી હતી.આગામી 2023ની સાલ સુધીમાં એકસપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરી દેવાનું આયોજન છે.આ પ્રસંગે કેન્દ્રિય પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં તેઓની સાસરીનું મકાન નડતરરૂપ હતું જેને પણ તોડી પાડવામાં આવ્યું હતું આ બાબતે તેઓએ પ્રતિક્રિયા આપી હતી જો કે ગુજરાતની રાજનીતિ અંગે તેઓએ કઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

આ હાઈવેના નિર્માણમાં યાત્રીકો માટે ફૂડ કોર્ટ,દર 150 કી.મી.એ પાર્કિંગની વ્યવસ્થા અને ઈમરજન્સી સર્વિસ માટે હેલિપેડ પણ બનાવવામાં આવશે. ઉપરાંત ફ્યુઅલ સ્ટેશન,ઇલેક્ટ્રીક કાર માટે ચાર્જિંગ સ્ટેશન અને બેસવા માટે રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

Next Story