/connect-gujarat/media/post_banners/7946aefb41685b1f66b3c171fd7f9f4ec7b8dfa642dedf787ab11033ce3f90be.jpg)
ભરૂચ શહેરની 2 લાખની વસતીને પીવાનું પાણી પુરૂ પાડતી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી બાદ ફરી ભંગાણ પડતાં બુધવારથી કેનાલનું રીપેરિંગ ન થાય ત્યાં સુધી આખા શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવશે. ચૈત્રી નવરાત્રિ, રમઝાન અને ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકોની હાલત કફોડી બની જશે.
ગત ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું. શહેરમાં માંડ બે ટાઇમ પાણી મળતું થયું હતું ત્યાં હવે અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ પાસે ભંગાણ પડયું છે. કેનાલમાં ભંગાણ પડતાં જ શહેરના બે લાખ લોકોના માથે જળ સંકંટ ઘેરાયું છે.ભરૂચ નગરપાલિકાએ 29મી તારીખથી કેનાલનું રીપેરીંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક જ ટાઇમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી રોજનું 45 એમએલડી પાણી લઇને શહેરમાં બે ટાઇમ આપવામાં આવે છે પણ બુધવારથી એક જ ટાઇમ પાણી અપાશે. ચૈત્રી નવરાત્રિ, રમઝાન અને ઉનાળાની ગરમીમાં લોકોને ઓછા પાણીથી કામ ચલાવવું પડશે તો બીજી તરફ પાણી ભરવા માટે ગૃહિણીઓને ઉજાગરા થશે.