/connect-gujarat/media/post_banners/17622c4c422fa78c91af29dd60e3eefc4796ea7a53fbe9a73c7ba8a19f4403bb.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે. અંકલેશ્વરના સુરવાડી ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા સરપંચ યોગીતા દેવધરાનો પ્રજાએ ઘેરાવો કરી ઉધડો લેતા સરપંચે ચાલતી પકડી હતી.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મુકવામાં આવતા લોકોએ વિનાશક પૂરનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કિનારે આવેલ અનેક ગામમાં પૂરના પાણી ફરી વળતાં લોકોની ઘરવખરી અને ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ જતાં લોકો પાયમાલ બન્યા હોવા સાથે લોકો બેઘર પણ બન્યા છે. જેના કારણે શહેર કે, સોસાયટીમાં મુલાકાત માટે આવતા નેતાઓ અને આગેવાનો પ્રજાના આક્રોશનો ભોગ બની રહ્યા છે. ત્તેવામાં સુરવાડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ સોસાયટીઓમાં મુલાકાત લેવા ગયેલા સરપંચ યોગીતા દેવધરાનો સ્થાનિકોએ ઘેરાવો કરી તેઓનો ઉધડો લીધો હતો. આ સાથે જ નારેબાજી કરાતા સરપંચે ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું, ત્યારે હાલ તો, પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતાં નેતાઓ અને સરપંચોને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.