Connect Gujarat
Featured

ભાવનગર : ઈયરટેગ બનશે પશુઓનું “આધાર કાર્ડ”, પશુઓમાં થતાં ઘાતક રોગો સામે વ્યાપક અભિયાન શરૂ

ભાવનગર : ઈયરટેગ બનશે પશુઓનું “આધાર કાર્ડ”, પશુઓમાં થતાં ઘાતક રોગો સામે વ્યાપક અભિયાન શરૂ
X

ભાવનગર જીલ્લામાં પશુઓમાં આવતો ખરવા મોવાસા(FMD) અને બ્રુસેલ્લોસીસ રોગ નિયંત્રણ કરી સમગ્ર દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ખરવા મોવાસા રોગ નાબૂદ થાય તેમજ પશુપેદાશોને આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળુ માર્કેટ મળી રહે અને પશુ માલિકોની આવક બમણી થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા NADCP (National Animal Disease Control Programme) અને NAIP (National Artificial Insemination Project) જેવા 2 કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં NADCP કાર્યક્રમનો મુખ્ય હેતુ આ માટે પશુઓની ઓળખ થાય અને તેનો રેકોર્ડ જળવાઇ રહે તે માટે INAPH સોફ્ટવેરમાં પશુઓની ઉંમર, વેતર, વેક્શીનેશન, પશુ માલિકની વિગત ગામ જેવી તમામ માહિતી રાખવામાં આવે છે.

આ માટે પશુઓને ઇયર ટેગ દ્વારા બાર કોડેડ યુનિક આઇડેન્ટીફિકેશન (UID) આપવામાં આવે છે અને આ ટેગ સરકારની તમામ સહાયકારી યોજનાઓ પશુઓની બેન્કની લોન માટે તેમજ પશુઓને કોઇપણ પ્રકારના ડીઝાસ્ટર અંતર્ગત પશુઓને થયેલ નુકશાન, મૃત્યુ સહાય વળતરમાં મદદરૂપ પુરવાર થશે તથા આ ટેગ થકી પશુઓમાં ક્યારે રસીકરણ, કૃત્રિમ બિજદાન થયેલ છે તેમજ આ અંગેની આનુસાંગીક માહિતી પણ આસાનીથી ઉપલબ્ધ થશે.

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગોકુલ મીશન હેઠળ જે જિલ્લાઓમાં 50% કરતા ઓછુ કૃત્રિમ બિજદાન થતુ હોય તેવા જિલ્લાઓને આવરી લેવામાં આવેલ છે. જે મુજબ સમગ્ર દેશના 600 જિલ્લાઓ પૈકી ગુજરાત રાજ્યના 21 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી સારી ઓલાદના પશુઓ મેળવવા માટે NAIP Phase-2 કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓને ટેગીંગ હેઠળ આવરી લેવામાં આવનાર છે.

પ્રથમ ફેઝમાં ભાવનગર જિલ્લામાં 20,000 પશુઓને આ યોજના હેઠળ આવરી લીધેલ છે. તમામ પશુઓ રોગમુક્ત થાય તે હેતુથી આગામી ફેબ્રુઆરી-2021માં ખરવા મોવાસા રોગ નિયંત્રણ ફેઝ-2 પહેલા ગાય અને ભેંસ વર્ગના તમામ પશુઓને ઇયર ટેગીંગ હેઠળ આવરી લેવાના હોય તમામ પશુપાલકોને પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પશુપાલન સ્ટાફ આપને ત્યાં પશુઓને ટેગીંગ માટે આવે ત્યારે પુરતો સહકાર આપે જેમાં આપનું તેમજ આપના પશુઓનું હિત સમાયેલ છે.

ખરવા મોવાસા રોગની અસર આવે ત્યારે પશુઓની કાર્યક્ષમતા ઘટી જાય છે તેમજ દુધ આપનાર પશુઓનુ દુધ ઉત્પાદન પણ કાયમી ધોરણે ઘટી જતુ હોય છે જેથી પશુમાલિકોને આર્થીક રીતે બેવડો ફટકો પડતો હોય છે. જેથી કહેવાય છે કે, સુરક્ષા એ જ સમજદારી એ મુજબ આગામી ફેબ્રુઆરી-2021માં ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમમાં પશુપાલકો પોતાના તમામ પશુઓનુ ચોક્ક્સ નિ:શુલ્ક રસીકરણ કરાવે અને પોતાનું મહામુલુ પશુધન બચાવે તથા પોતાના તેમજ દેશની પ્રગતિમાં અમુલ્ય સહકાર આપે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story