Connect Gujarat
બિઝનેસ

ગુજરાતમાં રિલાયન્સ જિયોના એપ્રિલ મહિનામાં 3.60 લાખ ગ્રાહકો વધ્યાઃ TRAI

30 એપ્રિલ 2021 સુધીમાં ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર જિયોએ ગુજરાતમાં 3.60 લાખ નવા મોબાઇલ ઉપયોગકર્તાઓ મેળવ્યા હતા.

ગુજરાતમાં રિલાયન્સ જિયોના એપ્રિલ મહિનામાં 3.60 લાખ ગ્રાહકો વધ્યાઃ TRAI
X

કોવિડ-19ની બીજી લહેર તેની ચરમસીમાએ હોવા છતાં એપ્રિલ મહિનામાં ગુજરાતમાં જિયોની સેવાઓની ભારે માંગ રહી હતી. 30 એપ્રિલ 2021 સુધીમાં ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર જિયોએ ગુજરાતમાં 3.60 લાખ નવા મોબાઇલ ઉપયોગકર્તાઓ મેળવ્યા હતા. માર્ચ 2021માં જિયોના કુલ સબસ્ક્રાઇબર્સ 2.61 કરોડ હતા જે એપ્રિલમાં વધીને 2.65 કરોડ થયા હતા.

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા એપ્રિલ મહિના માટે જારી કરવામાં આવેલા મોબાઇલ સબસ્ક્રાઇબર્સના અહેવાલમાં એવો ખુલાસો થયો હતો કે, ગુજરાતમાં કુલ મોબાઇલ વપરાશકર્તાઓની સંખ્યા માર્ચ 2021માં 6.94 કરોડ હતી તેમાં 3.40 લાખનો વધારો થયો અને આ સંખ્યા વધીને 6.97 કરોડ થઈ છે.

જિયો અને એરટેલના કારણે એપ્રિલ 2021માં પણ ગુજરાતમાં મોબાઇલ વપરાશકર્તાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. એરટેલે ગુજરાતમાં એપ્રિલ 2021માં 72,000 નવા ગ્રાહકો મેળવ્યા હતા, આમ માર્ચ 2021માં તેના કુલ ગ્રાહકો 1.20 કરોડ હતા તે વધીને 1.21 કરોડ થયા હતા.

રાજ્યના બીજા સૌથી મોટા ઓપરેટર વોડાફોન આઇડિયાએ એપ્રિલ 2021માં 81,000 મોબાઇલ વપરાશકર્તાઓ ગુમાવ્યા છે. માર્ચ 2021માં તેના 2.52 કરોડ યુઝર્સ હતા તે એપ્રિલ 2021 સુધીમાં ઘટીને 2.51 થયા હતા. સરકારી ટેલિકોમ કંપની BSNLના મોબાઇલ યુઝર્સની સંખ્યામાં પણ 10,000નો નોંધપાત્ર ઘટાડો થયો હતો. માર્ચ 2021માં BSNLના મોબાઇલ યુઝર્સની સંખ્યા 59.06 લાખ હતી તે એપ્રિલ મહિનામાં 58.96 લાખ થઈ હતી. ગ્રાહકોના બજાર હિસ્સાના ચાર્ટમાં જિયો 38 ટકા હિસ્સા સાથે સૌથી આગળ છે, જ્યારે વોડાફોન આઇડિયા 36.09 ટકા સાથે બીજા સ્થાને, એરટેલ 17.45 ટકા સાથે ત્રીજા અને 9 ટકા હિસ્સા સાથે BSNL ચોથા સ્થાને છે.

વિશ્લેષકો માને છે કે સમગ્ર ભારતમાં કોવિડ-19ની બીજી લહેરના પરિણામે મોબાઇલ સબસ્ક્રાઇબર્સ વધવાનું બંધ થઈ ગયું હતું. ટ્રાઈના અહેવાલ મુજબ, એપ્રિલમાં એરટેલે સમગ્ર દેશમાં કુલ પાંચ લાખ નવા સબસ્ક્રાઇબર્સ મેળવ્યા હતા. જેની સામે જિયોએ કુલ 48 લાખ નવા સબસ્ક્રાઇબર્સ મેળવ્યા હતા. જ્યારે વોડાફોન આઇડિયા લિમિટેડ (VIL)ના ગ્રાહકોમાં આ સમયગાળા દરમિયાન 18 લાખનો ઘટાડો થયો હતો. જેફરીઝના અહેવાલ મુજબ ટેલિકોમ સેક્ટરમાં લોકડાઉનના કારણે મોબાઇલ સબસ્ક્રાઇબર્સ વધવાની ગતિ મંદ પડી હતી. જ્યારે ICICI સિક્યુરિટીઝે એક અહેવાલમાં નોંધ્યું હતું કે, કોવિડની બીજી લહેર અને તેના પગલે લોકડાઉનના પરિણામે નવા મોબાઇલ ગ્રાહકો વધવાનું ધીમું પડી ગયું હતું. જેફરીઝના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, "જિયોફોન ઓફરના કારણે 48 લાખ નવા મોબાઇલ ઉપયોગકર્તા ઉમેરાતાં જિયોએ આ રફતારનું નેતૃત્વ કર્યું છે."

Next Story