Connect Gujarat
Featured

કડકડતી ઠંડીએ ભરૂચવાસીઓને “ધ્રુજાવ્યા”, શહેરના મુખ્ય માર્ગ સુમસામ તો અનેક લોકો તાપણાના સહારે

કડકડતી ઠંડીએ ભરૂચવાસીઓને “ધ્રુજાવ્યા”, શહેરના મુખ્ય માર્ગ સુમસામ તો અનેક લોકો તાપણાના સહારે
X

ગુજરાતભરમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ ઠંડીનું ખૂબ જોર વધ્યું છે. જેમાં રાત્રીના સમયે શહેરના માર્ગો સૂમસામ બન્યા હતા, તો ઠંડીથી બચવા કેટલાક લોકોએ તાપણાનો પણ સહારો લીધો હતો.

દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષના પગલે ગુજરાતમાં સતત 3 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળતા મોટાભાગના શહેરો ઠંડાગાર બન્યા છે. કડકડતી ઠંડીએ લોકોને પણ ધ્રુજાવી દીધા છે. શીતલહેર વચ્ચે રાજ્યનું વાતાવરણ ઠંડુગાર બન્યું છે, ત્યારે ઠેરઠેર લોકો ગરમ કપડા પહેરી તાપણા કરતાં જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યભરમાં આગામી દિવસો દરમ્યાન કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે ભરૂચ શહેર થતાં સમગ્ર જિલ્લામાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેમાં રાત્રીના સમયે શહેરના મુખ્ય માર્ગો સહિત શેરી-મહોલ્લાઓ સૂમસામ જોવા મળ્યા હતા. તો એક સમયે ઠંડીથી બચવા માટે અનેક લોકો તાપણાના સહારે બેઠા હતા. જેમાં વૃદ્ધો, યુવાનો, બાળકો સહિત મહિલાઓ સાલ અને સ્વેટર સહિતના ગરમ કપડાં પહેરી તાપણા કરીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. લોકો રાત પડતા જ તાપણાની આજુબાજુ ગોઠવાઇ જાય છે, ત્યારે હાલ તો કડકડતી ઠંડીએ તેનો પ્રકોપ બતાવતા પ્રજાજનો પણ તેની સામે રક્ષણ લેવાના અવનવા કીમિયા અપનાવવા લાગ્યા છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ આગામી દિવસો દરમ્યાન હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

Next Story