દહેજની જી.એફ.એલ.કંપનીનાં કર્મચારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓએ માનસિક ત્રાસ આપી કંપનીમાંથી કાઢી મુક્યો હોવાના આક્ષેપ કર્મચારી દ્વારા કરવામાં આવ્યા છે.
દહેજની ગુજરાત ફ્લોરો કંપનીમાં છેલ્લા ૬ વર્ષથી સીનીયર પ્લાન્ટ ઓપરેટર દેવેન્દ્ર પટેલે ગતરોજ ઝેરી દવા પી આપઘાત કરતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર કર્મચારી દેવેન્દ્ર પટેલે ભરૂચ પોલીસ અધિક્ષકને સંબોધીને લખેલ એક અરજી અનુસાર ગતરોજ તેણે કંપનીના એચ.આર.વિભાગમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને કોઈ પણ કારણ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરી દેવાયો હતો.
આથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.આ પાછળ તેણે કંપનીના એચ.આર.વિભાગનાં નિલય દેસાઈ,સુનીલ ભટ્ટ કલોલ ચક્રવર્તી અને સતીશ કકળે જવાબદાર હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને માનસિક ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. આ કર્મચારી હાલ સારવાર હેઠળ છે ત્યારે મામલાની વધુ તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે. કંપનીના અધિકારીઓની સંડોવણી બહાર આવી તો તેઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુન્હો પણ દાખલ થઇ શકે છે.