Connect Gujarat
ધર્મ દર્શન 

હવે જિયો ટીવીના માધ્યમથી ઘરે બેઠા બાબા અમરનાથની લાઈવ આરતી નિહાળી શકશો

બાબા અમરનાથના ભક્તો હવે ઘરે બેઠા તેમના દર્શન સાક્ષાત કરી શકશે.

હવે જિયો ટીવીના માધ્યમથી ઘરે બેઠા બાબા અમરનાથની લાઈવ આરતી નિહાળી શકશો
X

રિલાયન્સ જિયો દ્વારા અમરનાથ ગુફાની આરતી લાઇવ સ્ટ્રીમિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બાબા અમરનાથના ભક્તો હવે ઘરે બેઠા તેમના દર્શન સાક્ષાત કરી શકશે.

મુશ્કેલ પહાડી માર્ગો અને પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે જિયો દ્વારા ખૂબ જ ઓછા સમયમાં જરૂરી નેટવર્ક અને માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી હતી, તેમ આ મામલાના જાણકારોએ જણાવ્યું હતું.

ગત અઠવાડિયે, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના હસ્તે અમરનાથજી શ્રાઇન બોર્ડની વિવિધ ઓનલાઇન સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે ભક્તોને તેમના આરાધ્ય દેવની પૂજા-અર્ચનાનો સાક્ષાત અનુભવ કરાવી શકે.

"લાખો ભક્તો આ વર્ષે કોવિડ-19 મહામારીના કારણે અમરનાથજીની પવિત્ર ગુફાના દર્શન કરી શક્યા નથી તેમના માટે શ્રાઇન બોર્ડ વર્ચ્યુઅલ મોડમાં દર્શન, હવન અને પ્રસાદ સહિતની સુવિધાઓ લાવ્યું છે. "ભક્તો હવે પૂજા, હવન અને પ્રસાદ ઓનલાઇન બૂક કરી શકે છે, અને ગુફાના પૂજારી ભક્તોના નામે પૂજા હવન કરાવશે. બૂક કરાવેલો પ્રસાદ ભક્તોના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે," તેમ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું.

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ઓનલાઇન સેવાઓમાં હવે ભક્તો સમગ્ર વિશ્વમાં ગમે ત્યાંથી પવિત્ર ગુફામાં ભગવાન શિવજીની ઓનલાઇન વર્ચ્યુઅલ પૂજા અને હવન કરી શકશે અને હવે, રિલાયન્સ જિયોએ જિયોટીવી પર લાઇવ આરતીનો અલૌકિક અનુભવ ભક્તો સમક્ષ રજૂ કર્યો છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી કરોડો ભક્તો જિયોની અન્ય વિવિધ એપ્લિકેશનો પરથી કેટલીક સેવાઓ મેળવી શકે છે, તેમ જાણકારોએ જણાવ્યું હતું.

હાલ ચાલી રહેલી મહામારીના પગલે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા વર્ષ 2021 માટે અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે, તેના પરિણામે આ વર્ષે ભક્તો પવિત્ર શિવલિંગના દર્શન નહીં કરી શકે. આ પરિસ્થિતિમાં ભક્તો તેમના આરાધ્ય દેવની ભક્તિ ઘરે બેઠા કરી શકે તે માટે જિયો દ્વારા જિયો ડિજિટલ લાઈફ થકી એક અનોખો વર્ચ્યુઅલ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જિયોટીવીની સમર્પિત ચેનલ પર લાઇવ આરતીનું સ્ટ્રીમિંગ નિહાળી શકશે અને જિયોમીટ પર વર્ચ્યુઅલ પૂજા અને હવન કરી શકાશે. તેના દ્વારા ભક્તો વર્ચ્યુઅલ પૂજા રૂમમાં જઈને પૂજારીની હાજરીમાં પોતાના નામ અને 'ગોત્ર'ના ઉલ્લેખ સાથે પૂજા કરી શકશે.

આ ઉપરાંત, જિયોસાવન પર ચલો અમરનાથ નામનું પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં અમરનાથને સમર્પિત ગીતો અને 'ભજનો' માણી શકાશે. જિયોચેટની અમરનાથ દર્શન ચેનલ પર લાઇવ દર્શન, આરતીના સમય, પૂજા સહિતની પ્રક્રિયા માટેની માહિતી મેળવી શકશે અને દાન પણ આપી શકાશે અને એ સાથે અહીં લાઇવ અને રેકોર્ડેડ આરતી પણ જોઈ શકાય છે.

જાણકારો કહે છે કે અમરનાથજી સુધી પહોંચવાની મુશ્કેલ પહાડીઓ અને પડકારજનક સ્થિતિઓ હોવા છતાં જિયો દ્વારા લાઇવ આરતી દર્શકો સુધી પહોંચાડવા માટે ખૂબ જ ઓછા સમયમાં માળખાગત સુવિધા, સિસ્ટમ્સ અને બેન્ડવિડ્થ તૈયાર કરી હતી. આ ઉપરાંત ખૂબ જ ટૂંકા સમયગાળામાં અમરનાથજીના ભક્તો માટે વિવિધ પ્લેટફોર્મ્સ અને એપ્લિકેશન્સ પર પૂજા-અર્ચના કરી શકે તે માટેની સુવિધા વિકસાવવામાં આવી છે. લાઇવ અને કેચ-અપ ટીવી એપ્લિકેશન જિયોટીવી પર વિવિધ વિષયોની 650 ચેનલ્સ ઉપલબ્ધ છે. માત્ર ભક્તિ વિષયક 113 ચેનલ્સ અને દર્શનો માટેની 17 ચેનલ્સ આવેલી છે, જેના પર અનેક લોકપ્રિય ધાર્મિક સ્થળોની લાઇવ આરતી અને દર્શનો માણી શકાય છે.

જિયોટીવી પર લાઇવ આરતી જોવા માટે 'શ્રી અમરનાથજી શ્રાઇવ બોર્ડ' દર્શન ચેનલ શરૂ કરવામાં આવી છે. દર્શકો નિર્ધારિત સમયે લાઇવ આરતીના દર્શન કરી શકે છે અને દિવસ દરમિયાન જિયોટીવી પર જ ગમે ત્યારે રેકોર્ડેડ આરતી પણ માણી શકે છે. સવારે 6થી 6.30 અને સાંજે 5થી 5.30 દરમિયાન લાઇવ આરતીનું પ્રસારણ થાય છે.

પવિત્ર ગુફામાં આવેલા બરફના શિવલિંગની વર્ચ્યુઅલ પૂજા અને દર્શન પોતાના નામ સાથે કરાવવા માટે ભક્તો શ્રાઇન બોર્ડની વેબસાઇટ www.shriamarnathjishrine.com અથવા બોર્ડની મોબાઇલ એપ ઉપર જઈને ઓનલાઇન પૂજા, હવન, પ્રસાદ સહિતની સેવાઓ બૂક કરી શકે છે. જ્યારે બુકિંગ પ્રક્રિયા સંપન્ન થઈ જાય એટલે બુકિંગ કરાવનાર ભક્તને જિયોમીટ પર વર્ચ્યુઅલ ઓનલાઇન રૂમમાં જવા માટે એક લિંક મળશે. નિર્ધારિત સમયે વ્યક્તિ આ લિંક પર ક્લિક કરીને રૂમમાં પ્રવેશ મેળવી શકશે અને અહીં પૂજારી પૂજા, હવન કાર્ય કરી શકશે.

Next Story