Connect Gujarat
ધર્મ દર્શન 

પ્રકાશના પર્વ દિપાવલીનું આગમન, આવો જાણીએ કયો સમય રહેશે શુભ

દીપાવલીના પાવન પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે. તારીખ પહેલી નવેમ્બરથી દિપાવલીના તહેવારોનો પ્રારંભ થશે.

પ્રકાશના પર્વ દિપાવલીનું આગમન, આવો જાણીએ કયો સમય રહેશે શુભ
X

દીપાવલીના પાવન પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે. તારીખ પહેલી નવેમ્બરથી દિપાવલીના તહેવારોનો પ્રારંભ થશે. વાઘબારસથી લાભપાંચમ સુધી વિવિધ તહેવારોની ઉજવણી કરાશે ત્યારે અમે તમારા માટે ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ ચોઘડીયાની માહિતી લઇને આવ્યાં છીએ. ધનતેરસના દિવસે ધનની પુજા કયારે કરવી, દિવાળીના દિવસે ચોપડા પુજન કયારે કરવું, નુતનવર્ષના દિવસે કયો સમય રહેશે શુભ અને લાભપાંચમે કયારે પુજા કરી ધંધા- રોજગારની કરશો શરૂઆત..

ધનતેરસના દિવસે લક્ષ્મી માતાજી તથા કુબેર દેવતાનું થાય છે પુજન

ધન તેરસના દિવસે ઘર, દુકાન કે ઓફીસ સહિતના સ્થળોને શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન અને તેમાં ખાસ કરીને સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અદકેરૂ મહત્વ છે.


ભગવાન રામના આગમનની યાદમાં ઉજવાય છે દિવાળી

માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો છે. દિવાળીના દિવસે ફટાકડાની ગુંજથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ દિવસે ચોપડા પુજન કરાય છે.


ઘરમાંથી કકળાટ કાઢવાનું પર્વ એટલે કાળી ચૌદશ

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે. મેલી વિદ્યાના ઉપાસકો આજના દિવસે સ્મશાનમાં જઇને પુજા કરતાં હોય છે. તેમના માટે કાળી ચૌદશની રાત ખુબ મહત્વની છે.


હીંદુ સમાજના નવા વર્ષનો પ્રારંભ એટલે બેસતું વર્ષ

દિવાળીનો બીજો દિવસે એટલે કે બેસતું વર્ષ.. આ દિવસે મળસ્કે ઉઠીને લોકો પ્રભુની પુજા અર્ચના કરે છે અને માતા-પિતા તથા વડીલોના આર્શીવાદ મેળવે છે. સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન જયશ્રી કૃષ્ણ અથવા હેપી ન્યુ ઈયર કરી શુભેચ્છા પાઠવતાં હોય છે. નુતન વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના આપતાં હોય છે. આ દિવસે લોકો વેરઝેરની ભાવના ભૂલી જઈને નવા વર્ષે નવો સંકલ્પ કરતાં હોય છે.


લાભપાંચમના દિવસથી ધંધા-રોજગારનો થાય છે પ્રારંભ

દિવાળીના દિવસે ચોપડા પુજન બાદ ગુજરાતમાં વેપારીઓ તેમની દુકાનો અને વ્યવસાયના સ્થળો બંધ કરી દેતાં હોય છે. દિવાળીના દીવસથી બંધ થયેલાં ધંધા- રોજગાર લાભ પાંચમના દિવસથી શરૂ થાય છે. દિવાળીથી લાભ પાંચમ સુધી બજારો સુમસાન બની જાય છે. લાભ પાંચમના દિવસે વેપારીઓ પુજન-અર્ચન કરી તેમની દુકાનો ખોલતાં હોય છે. લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ ૫ના દિવસે ઉજવવામાં આવે છે.




Next Story