કોરોના મહામારીમાંથી ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં ધો-6થી 8ના વર્ગો શરૂ થશે. તેના માટે અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. વર્ગની સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કામગીરી પણ આરંભી નાંખવામાં આવી છે.
સપ્ટેમ્બરથી દેશનાં અનેક રાજ્યોની શાળાઓ ધમધમશે. પણ સાથે જ એક ડર પણ છે કે બાળકોમાં કોરોનાનાં કેસ વધ્યા તો શું થશે ? આમ તો કોરોનાકાળમાં શાળાઓ માટે કડક ગાઇડલાઇન્સ બનાવાઇ છે. અત્યાર સુધી માત્ર ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓ જ આવતા હતા, ત્યાં હવે 6થી 8 અને ક્યાંક તો તેનાથી પણ નાના બાળકો શાળાએ આવવાના છે. દિલ્હીમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થઇ રહી છે.
હરિયાણામાં ધોરણ 4 અને 5નાં બાળકો શાળાએ આવવાની શરૂઆત થશે. ઉત્તરપ્રદેશમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. મધ્યપ્રદેશમાં ધોરણ 6 થી 12નાં બાળકોનો અભ્યાસ ઓફલાઇન શરૂ થઇ રહ્યા છે.કર્ણાટકમાં 18 મહિના બાદ ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ થઇ રહ્યાં છે. રાજસ્થાનમાં પણ ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ કરાઇ રહ્યાં છે. અસમમાં ધોરણ 10 થી 12ની શાળાઓ ફરી ધમધમતી થવાની છે.
ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8નાં વર્ગો શરૂ કરાઇ રહ્યાં છે. અલબત્ત બધા જ સ્થળે કોરોનાની ગાઇડલાઇન્સ તો લાગુ કરવાની જ છે.50 ટકા બેઠક ક્ષમતા, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્ટાફનું રસીકરણ, લંચ-ટીફીન-પાણીની બોટલ ઘરેથી લાવવી વગેરે વગેરે ગાઇડલાઇન અનિવાર્ય છે.