ભરૂચ : આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ...

ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો

New Update
ભરૂચ : આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ...

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ

ધો. 10માં 23,240, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 9518

વિજ્ઞાન પ્રવાહમાં 3722 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પરીક્ષા કેન્દ્રો પર CCTV સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ધો. 10ની બોર્ડની પરીક્ષા માટે 82 કેન્દ્રોમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહ માટે 31 કેન્દ્રોમાં 9552 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ માટે 19 કેન્દ્રોમાં 3820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સુચારૂ આયોજન સાથે વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા પહોચ્યા હતા.

જોકે, ભરૂચ શહેર તથા જીલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતાં, જ્યાં તેઓને દરેક પરિક્ષા કેન્દ્રો પર હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્ય હતા, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓએ GNFC નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી મુક્તમને પરીક્ષામાં આપવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન,વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોઓકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે. જેથી ગેરરીતિ કરનાર કે, કરાવનાર કોઇપણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમોનુસાર શિક્ષાત્મજક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો્ પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ, ભરૂચ નાગર પાલિકા દ્વારા પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસની નિ:શુલ્ક સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સિટી બસમાં વિદ્યાર્થીઓએ ફક્ત પોતાની હોલ ટિકિટ બતાવવાની રહેશે, જેથી જે તે વિસ્તારના પરીક્ષા કેન્દ્રો પર આ સિટી બસ મારફતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે. આ સુવિધા અન્વયે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories