/connect-gujarat/media/media_files/2025/02/21/sv4Qtna2kpu3h6PqZQKn.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓને પરિવહનમાં અગવડતા ન પડે અને વહેલીતકે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ST નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા દરમિયાન વધારાની 85 બસો દોડાવાશે.
રાજ્યમાં આગામી 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે છે, ત્યારે વિદ્યાર્થી માટે વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની જરૂરીયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે-તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળી છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે.'