Connect Gujarat
Featured

રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં આવતીકાલે ચૂંટણી

રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં આવતીકાલે ચૂંટણી
X

પંચાયતી રાજના સૌથી મોટા પર્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને રાજ્યમાં માહોલ ગરમાયો છે. પ્રથમ તબક્કામાં મહાનગર પાલિકાઓ તેમજ બીજા તબક્કામાં પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનને આડે માત્ર એક રાત્રિનો સમય શેષ રહ્યો છે. મતદાન સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી લેવાય છે. નમસ્કાર હું મુશતાક રાઠોડ કનેક્ટ ગુજરાતના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. બતાવીશુ રાજકીય પક્ષોના પ્રચારની ઝાંખી અને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા... પરંતુ એ પહેલા આવતીકાલે 6 મહાનગર પાલિકાની ચૂંટણીના લેખજોખાં

રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતિમ પ્રક્રિયામાં છે. રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીને તો 12 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. આવતીકાલે એટ્લે કે 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા માટે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. તમામ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 192, સુરત મહાનગરપાલિકામાં 116, વડોદરા મહાનગરપાલિકામાં 76, રાજકોટ મહાનગરપાલિકામાં 72, ભાવનગરની મહાનગરપાલિકામાં 52, અને જામનગરની મહાનગરપાલિકામાં 64 બેઠકો છે. ચૂંટણીમાં આ વર્ષે કેટલીક જગ્યાએ ત્રિપાંખીયો તો કેટલીક જગ્યાએ ચતુષ્કોણીય જંગ જામશે. અને ચૂંટણી રસપ્રદ બની રહેશે. ચૂંટણી લડવા અનેક દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં યોજાનાર ચૂંટણી માટે 773 ઉમેદવારો હરીફાઈમાં છે. વડોદરા મહાનગરપાલિકાનીની વાત કરીએ તો 19 વોર્ડની ચુંટણી માટે 279 જેટલા ઉમેદવારો હરીફાઈમાં છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો તો રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં 293 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે.ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચુંટણીમાં 211 જેટલા ઉમેદવારો હરીફાઈમાં રહ્યા છે. જ્યારે જુનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકો માટેની પેટા ચૂંટણી પણ 21મીએ યોજાનાર છે જે માટે 09 ઉમેદવારો હરીફાઈમાં છે.

મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે પ્રચાર પડઘમ પર બ્રેક વાગી ગઈ છે. ચૂંટણી તારીખની જાહેરાત થતાંની સાથે જ પ્રચાર પ્રસારમાં રાજનેતાઓ અને રાજકીય પક્ષો લાગી ગયા હતા. સ્થાનિક સ્વરાજની વર્તમાન ચૂંટણીમાં રાજકીય પક્ષો વધ્યા છે જેને લઈને ચૂંટણી વધુ રસપ્રદ બની છે. એઆઇએમઆઇએમ અને આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી લડી રહી છે ત્યારે રાજકીય પક્ષોના પ્રચારની ઝાંખી પર એક નજર કરીએ...

ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણીમાં મત મેળવવા માટે રાજકીય પાર્ટીઓ સભા અને રેલીઓ યોજી પ્રચાર કરતાં હોય છે અને પોતાનું વિઝન બતાવી મતદારોને લલચાવતા હોય છે. 6 મહાનગર પાલિકામાં પ્રચાર પર બ્રેક વાગી છે ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી અસદુદ્દીન ઓવૈસીની AIMIM દરેકે એડીચોટીનું જોર લગાવી મતદારો પાસે મત માંગ્યા હતા. ભાજપે ગુજરાતની મક્કમતા માટે ભાજપ સાથે અડીખમ રહેવા કહ્યું તો કોંગ્રેસે વિકાસ અને અધિકારો માટે ગુજરાઈટ કહ્યું, ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી મોડલ લાગુ કરવાનો લોભ બતાવ્યો. બીજી તરફ સૌપ્રથમ વાર ગુજરાતમાં પ્રવેશનારા અસદુદ્દીન ઓવૈસીએ પણ બીટીપીનો સાથ પકડી સંવિધાન સાથે વાંચીતોને અધિકાર અપાવવા લોભ પ્રલોભન આપી સભાઓ ગજવી હતી. દરમિયાન નેતાઓના પક્ષ પલટા પર સમાચારોમાં ઝળકયા.. ભાજપે નવી નીતિ લાગુ કરી તો કોંગ્રેસનો આંતરિક વિખવાદ આ વખતે પણ જોવા મળ્યો. કોરોના વચ્ચે રેલીઓમાં લોકોની હાજરી જોવા મળી તો કોરોના નિયમોના છડે ચોક ધજાગરા પણ જોવા મળ્યા. કોંગ્રેસ શું કે ભાજપ શું? અહીં દરેક માટે ચૂંટણી જ સર્વોપરી રહી. નેતાઓએ તો પોતાનું કામ કરી લીધું પણ પ્રજા કોને પ્રતિનિધિ ચૂંટે છે તે જોવું રહ્યું. સ્થાનિક નેતાઓનું વર્ચસ્વ રહે છે કે પછી પક્ષને મહત્વ મળે છે તેના માટે 23 ફેબ્રુઆરીએ ચિત્ર સામે આવી જશે.

કહેવાય છે, કે મતદારોનો એક દિવસ હોય છે અને પાંચ વર્ષ પ્રતિનિધિઓના. માટે મતદાનના અધિકારનો તમામ નાગરીકોએ ઉપયોગ કરવો જોઈએ અને આવશ્ય મતદાન કરવું જોઈએ... ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા કેવી રહેશે આવો જોઈએ આ રિપોર્ટમાં...


રાજ્યમાં 6 મહાનગર પાલિકાઓમાં આવતીકાલે મતદાન યોજાવા જય રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. જેના માટે વિશેષ વ્યવસ્થા ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 144 વોર્ડમાં 576 બેઠક રહેશે જ્યારે પાછા મહાનગરપાલિકામાં એક કરોડ બાર લાખ 34701 મતદાર મતદાન કરશે જેની પાછળ 51 ચૂંટણી અધિકારીઓ 57 મદદનીશ ચૂંટણી અધિકારી ને જવાબદારી આપવામાં આવી છે. તો 11477 મતદાન મથકોએ રાખવામાં આવ્યા છે જેમાંથી જો સંવેદનશીલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 3858 મતદાન મથકો છે જ્યારે અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 1656 છે. મહાનગરપાલિકાની ચુંટણી માટે 13 હજાર 946 EVM ની સંખ્યા છે. જેની સામે પોલીસ સ્ટાફની સંખ્યા 62236 છે. દરેક વોર્ડમાં ચાર સભ્યોની પેનલ બનાવવામાં આવી છે. એક મતદારે ઇવીએમમાં ચાર ઉમેદવરોને મત આપી પીળું બટન દ્બાવ્યા બાદ મત રજીસ્ટર થશે

કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવવસ્થાની ખાસ તકેદારી રાખવામા આવી રહી છે. પોલીસ પ્રશાસને પ્રચાર દરમિયાન અનેક ગેરકાયદેસર ગતિવિધિઓ પકડી છે અને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ચૂંટણી આવે એટ્લે દારૂ અને પૈસાની રેલમ છેલ જોવા ન મળે તેવું ભાગ્યે જ બને. મતદારોને આકર્ષવા નેતાઓ ગેરકાયદેસર રીતે રૂપિયા વહેંચણી અને દારૂ પણ વિતરણ કરતાં હોય છે. આ પૂર્વે પણ અનેક કિસ્સાઓ આવા જોવા મળ્યા છે. રાજ્યના પોલીસ વડાએ ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં માહિતી આપતા 25 કરોડનો દારૂ અત્યારસુધી ઝડપાયો હોવાની વિગતો જણાવતા નેતાઓની નિયત પર સવાલ ઊભા થયા છે. રાજયમાં મતદાન દરમ્યાન એસઆરપીની 30 કંપની તૈનાત કરવામાં આવશે તો 14 કંપની બહારથી પણ બોલાવવામાં આવી છે। નાસતા ફરતા 1400 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તો અનેક અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જરૂર પડશે ત્યાં પેરામિલેટ્રી ફોર્સની મદદ લેવામાં આવશે સરહદો પર 97 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આમ રાજયમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય એ માટે પોલીસ વિભાગે કવાયત શરૂ કરી છે

લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતુ સાશન એટલે લોકશાહી ત્યારે લોકશાહીને જીવંત રાખવા મતદાન જરૂર કરવું જોઈએ... કનેક્ટ ગુજરાત સૌ મતદારોને મતદાન કરવાની અપીલ કરે છે. ચૂંટણીને લગતી આવી જ રસપ્રદ માહિતી માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રાજા આપશો નમસ્કાર

Next Story