Connect Gujarat
મનોરંજન 

સુરેન્દ્રનગર : લીંબડીનો યુવાન વેબ સિરીઝમાં અભિનયના ઓજસ પાથરશે

મોટા ટીંબલા ગામે ચાલી રહ્યું છે શુટિંગ.

સુરેન્દ્રનગર : લીંબડીનો યુવાન વેબ સિરીઝમાં અભિનયના ઓજસ પાથરશે
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલા ગામે "મેડલ" નામથી બનનારી વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. મોટા ટીંબલા ગામના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વેબ સિરીઝનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કકળાટથી માનસિક તાણ ભોગવી રહેલા લીંબડી પંથકના લોકોમાં વેબ સિરીઝનું શુટિંગ એક નવો જોશ અને ઉત્સાહ વધારી રહ્યો છે.

જોકે, "મેડલ" વેબ સિરીઝની સ્ટોરી પોઈન્ટ ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા બાળકોની ક્ષમતા ઉપર વિશ્વાસ ગુમાવી બેઠા છે. તેવા બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિને અથાગ પ્રયત્નો કરી શિક્ષક બહાર કાઢતાં દેખાશે. બાળકો પણ સખત પરિશ્રમ કરી "મેડલ" મેળવી શિક્ષકની મહેનતને લેખે લાવતા જોવા મળશે. વેબ સિરીઝનું શુટિંગ પૂર્ણ થયા બાદ સોશ્યલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ પર 8 ભાગમાં દેખાડવામાં આવશે, ત્યારે "મેડલ" વેબ સિરીઝમાં અર્ચન ત્રિવેદી, જયેશ મોરે, ચેતન ડાહીયા અને પ્રેમ ગઢવી સહિતના માસ્ટર અને ધુરંધર કલાકારો સાથે લીંબડીના યુવાન શિક્ષક હિતેશ પંડ્યા પણ આ વેબ સિરીઝમાં અભિનયના ઓજસ પાથરતા જોવા મળશે.

હિતેશ પંડ્યા "મેડલ" વેબ સિરીઝમાં નાની એવી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. "મેડલ" વેબ સિરીઝનું પ્રોડક્શન ધૃવલ શાહ કરી રહ્યા છે, ત્યારે મોટા ટીંબલા ગામે આગામી તા. 25 જુલાઈ સુધી "મેડલ" વેબ સિરીઝનું શુટિંગ કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story