Connect Gujarat
Featured

વડોદરા : ઓવરટેક કરવાની સામાન્ય બાબતે અસામાજીકોએ કરી યુવાનની હત્યા

વડોદરા : ઓવરટેક કરવાની સામાન્ય બાબતે અસામાજીકોએ કરી યુવાનની હત્યા
X

સંસ્કારી નગરી વડોદરામાં ઓવરટેક કરવાની સામાન્ય બાબતમાં કારમાં આવેલાં પાંચ જેટલા અસામાજીક તત્વોએ બાઇક સવાર યુવાનની હત્યા કરી નાંખી છે. યુવાનની હત્યા થઇ જતાં તેની ગર્ભવતી પત્ની અને પાંચ વર્ષના પુત્ર નિરાધાર બની ગયાં છે. ઘટના બાદ પરિવારમાં રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની તેઓ માંગ કરી રહયાં છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતો કેવલ જાધવ રવિવારે સાંજે આશરે સાડા પાંચ વાગે ડી- માર્ટમાં ખરીદી કરવા માટે નીકળ્યો હતો. તે જ્યારે કલાદર્શન ચાર રસ્તા પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઓવરટેક મામલે યુવકનો ઈકો કારમાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હતો. ઇકો કારમાંથી ઉતરેલા પાંચ જેટલા યુવાનોએ રસ્તાની વચ્ચે જ કેવલને માર મારતાં તે ઢળી પડયો હતો.

લોકટોળા એકત્ર થઇ જતાં હુમલાખોરો કાર લઇને ભાગી છુટયાં હતાં. ઇજાગ્રસ્ત કેવલને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત કેવલનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ જાધવ પરિવાર પર આભ તુટી પડયું હતું. મૃતક હાલોલ સ્થિત રાજપાલ એગ્રીકલ્ચર કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. અને તેની પત્ની મિત્તલબેન ગર્ભવતી છે અને તેના પેટમાં 4 માસનો ગર્ભ છે અને 5 વર્ષનો પુત્ર રાહિલ પણ છે. પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે. અને જ્યાં સુધી પોલીસ લેખિતમાં બાંહેધારી નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પાણીગેટના પીઆઇએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

Next Story