Connect Gujarat
Featured

ગીર સોમનાથ : વેરાવળ બંદર ખાતે કોસ્ટગાર્ડના કર્મીઓ માર મારતાં હોવાની માછીમારોની ફરિયાદ

ગીર સોમનાથ : વેરાવળ બંદર ખાતે કોસ્ટગાર્ડના કર્મીઓ માર મારતાં હોવાની માછીમારોની ફરિયાદ
X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર ખાતે કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ કારણ વિના માર મારતાં હોવાની ફરિયાદ સાથે માછીમારો કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા પહોંચ્યાં હતાં. હાલમાં કોસ્ટગાર્ડના કર્મચારીઓ માછીમારને માર મારતાં હોવાનો વિડીયો વાયરલ થયો છે.

ભારતીય કોસ્ટગાર્ડના વેરાવળ ખાતેની કચેરીએ એકત્ર થયેલાં માછીમારોમાં રોષનો માહોલ છે અને તેમના રોષનું કારણ છે કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ. કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ માછીમારોને કારણ વિના માર મારતાં હોવાથી માછીમાર સમાજમાં આક્રોશ જોવા મળી રહયો છે. માછીમારોના આક્ષેપો સાચા હોય તેમ ફિશિંગ બોટ પરના માછીમાર ને બોટ ઉપરથી બળજબરીથી ઉતારી માર મારતો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે.

કર્મચારીઓના મારનો ભોગ બનનાર નરેશ રાઠોડ નામના માછીમારે જણાવ્યું હતું કે કોઈ કારણ વિના તેને માર મારવા માં આવેલ હતો અને આવું વારંવાર બને છે.આ બાબતે અન્ય એક માછીમાર શૈલેષ કુહાડાએ જણાવ્યું હતું કે, કોસ્ટગાર્ડ વિભાગ સાથે અમને કોઈ વાંધો નથી પરંતુ અમુક કર્મચારીઓ અને અધિકારીઓ માછીમારો સાથે ગેરવર્તન કરે છે તે યોગ્ય નથી.આવી ઘટના અટકવી જોઈએ.

વેરાવળ બંદર પર સુરક્ષા વિભાગ અને માછીમારો વચ્ચે વિવાદના મૂળમાં બંદર ની ઓછી ક્ષમતા ને પણ કારણભુત માનવામાં આવે છે. માછીમાર ભરત આગિયાના જણાવ્યા પ્રમાણે વેરાવળ બંદર 800 ફિશિંગ બોટ ની ક્ષમતા ધરાવે છે જેની સામે વેરાવળ બંદરમાં 3000 થી વધુ બોટો લંગરવામાં આવે છે.માછીમારોની પણ મજબૂરી છે તો બીજી તરફ કોસ્ટગાર્ડ દ્વારા આવું વલણ અપનાવવું યોગ્ય નથી.

માછીમાર સમુદાય ની રજુઆત ના પગલે કોસ્ટગાર્ડ ના સ્થાનિક અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી સાથે ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે ખાતરી આપવામાં આવી છે. બીજી તરફ કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે માછીમારો એકત્ર થયાં હોવાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

Next Story