Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

X

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક જીલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પહેલા જ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, શુક્રવારની વહેલી સવારથી જ નવસારી જીલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરના કાલીયાવાડી, વિઠ્ઠલ મંદિર, સ્ટેશન રોડ, મુખ્ય શાકભાજી માર્કેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પહેલા જ વરસાદમાં નવસારીના રસ્તા ઉપર ઠેરઠેર પાણી ભરાઇ જતા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ સારા વરસાદના કારણે ખેડૂતો વાવણીની શરૂઆતમાં જોતરાઇ ગયા છે.

સુરત જીલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરાછા, કાપોદ્રા, સરથાણા સહીત અડાજણ ભૂલકાભવન અને કોઝ-વે નજીક વરસાદી પાણી ભરાય જવા પામ્યું હતું. જોકે, વરસાદના કારણે સુરતવાસીઓને ગરમીના બફારથી રાહત થઈ હતી.

તો આ તરફ ભરૂચ જિલ્લામાં પણ કેટલાક દિવસોના ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર થતાં શહેરીજનોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો. જોકે, વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં ધીમી ધારે સર્વત્ર વરસાદ વરસતા ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાયા છે.

હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આણંદ જીલ્લા સહિત તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે વરસાદના કારણે જિલ્લા પોલીસ વડાની કચેરી અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયું હતું. વિદ્યાનગરના લક્ષ્મી સીનેમા રોડ, ગામડીવડ, રાજમહેલ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે પેટલાદમાં 1.5 ઇંચ વરસાદ તો સાથે જ ખંભાત અને તારાપુરમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જતાં જનજીવન પર અસર પડી હતી.

આ સાથે જ, સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. વહેલી સવારથી વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે વરસાદના પગલે અસહ્ય ગરમીના બફારાથી લોકોને રાહત મળી હતી. તો શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય જતાં રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

અમરેલી જિલ્લાના જાફરાબાદના વાતાવરણમાં પલટો આવતા કડીયાળી, વઢેરા સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા હતા. તો કેટલાક ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ચલાલા શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. લાઠીના ગામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે હરસુરપુર અને દેવળિયાની નદીમાં પુર આવ્યું હતું. જેના કારણે નદીના વહેણમાં એક ટુ વ્હિલર વાહન પણ તણાયું હતું. જોકે, ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરતના સરહદી વિસ્તાર એવા કચ્છ જીલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અંજાર, આદિપુર અને ગાંધીધામ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની હેલીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. જોકે, અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે હવે જગતનો તાત પણ ખેતીની વાવણીમાં જોતરાયો છે.

Next Story