Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ગુજરાત પરથી જળસંકટ હટયું ! રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા

રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા, 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ.

X

રાજ્યમાં 15 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે રાજ્યમાં વર્તમાન સ્થિતિમાં વરસાદ પછી 206 ડેમો પૈકી 71 ડેમોમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

એક સમયે રાજ્યમાં વરસાદ અટકી પડતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો હતો. હવે વરસાદ સારા પ્રમાણમાં થતા રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. રાજ્યમાં આવા 71 ડેમો પર હાઈ એલર્ટ સિગ્નલ આપ્યું છે. જ્યારે 20 ડેમોમાં 90 ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 8 ડેમો એવા છે જ્યાં 80 ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગ નું સિગ્નલ આપ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં વડોદરા, પંચમહાલ, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં 20 મી સપ્ટેમ્બરની સ્થિતિએ 51 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાં 66.43 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં અત્યારે 77.04 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29.20 ટકા અને કચ્છના 20 ડેમમાં 26.46 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 56.93 ટકા તદુપરાંત સરદાર સરોવર ડેમમાં 54.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે.આમ જતાં જતાં પણ મેઘરાજાએ રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા થોડા ઘણે અંશે હલ કરી દીધી છે.

Next Story
Share it