-
જૂનાગઢના શહીદ આર્મી જવાન પતિની પત્નીનો દ્રઢ સંકલ્પ
-
પત્નીએ પતિના અધૂરા સપના પૂરા કરવાનો કર્યો સંકલ્પ
-
પત્ની પણ જોડાઈ પેરામિલિટરી ફોર્સમાં
-
તનતોડ મહેનત અને કઠણ તાલીમ લઈને મેળવ્યું આર્મીમાં સ્થાન
-
પતિના માર્ગે પગલા ભરતી પત્નીને મળ્યુ લખનૌમાં પોસ્ટિં
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની કોમલ મક્કાએ પોતાના આર્મી જવાન પતિના અવસાન બાદ પત્નીએ દૃઢ સંકલ્પ કર્યો હતો,અને તનતોડ મહેનત કરીને પેરામિલિટરી ફોર્સમાં જોડાઈને દેશ સેવા સાથે પતિના અધૂરા સપનાને પૂર્ણ કર્યું છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો હતો.અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલ મક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કરેણી ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા.મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા.પરંતુ બે વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા પડી ગયા હતા. જોકે આ સમય દરમિયાન પેરામિલિટરી ફોર્સ માંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનો માંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ લેટર કોમલ મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
જ્યારે કોમલબેન મકકાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય લીધો ત્યારે તેમના સાસરિયાઓ દ્વારા તેમને આ પગલું ભરતા અટકાવવામાં આવ્યા હતા,પરંતુ દૃઢ અને મક્કમ મનોબળથી તેઓએ પેરામિલેટરી ફોર્સમાં જવાનો નિર્ણય લઈને પોતાના પાંચ વર્ષના દીકરાનું ભવિષ્ય સારું બને તે માટે 11 મહિના સુધી સતત પોતાના એકના એક દીકરાથી અલગ રહીને ટ્રેનિંગ લીધી હતી.અને ઘણી બધી મુશ્કેલીઓને પાર કરી હતી.પરંતુ એક જ નિર્ધાર હતો કે પોતાના પતિ મહેશસિંહનું સ્વપ્નું પૂર્ણ કરવા તેઓએ તનતોડ મહેનત કરી અને અંતે ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ ટ્રેનિંગ પૂરી કરી અને લખનૌમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા.પતિના અકાળે થયેલા અવસાનનું દુઃખ તો હૃદયમાં દબાવીને જ કોમલે રાખ્યું છે પરંતુ દેશ સેવાના સંકલ્પ અને પતિના અધૂરા સપનાને પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પથી આજે કોમલને નવા જીવનની શરૂઆત સાથે નો માર્ગ પણ મળી ગયો છે.