-
ભાવનગર-ધોલેરા હાઇવે પર સાંઢીડા ગામ નજીકની ઘટના
-
હાઇવે માર્ગ પર 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
-
અકસ્માતમાં 5 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં
-
4 લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
-
પોલીસે અકસ્માતે 5 લોકોના મોત નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદના ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા ગામ નજીક 2 કાર વચ્ચેની ભયંકર ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષ સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 લોકોના મૃત્યુ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ગોરધન ડોબરીયા, અશોક ડોબરીયા, ગૌરવ ડોબરીયા, તીર્થ ડોબરીયા અને દિશા પ્રબતાણીનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.