Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર, તમામ મુસાફરોને મુકવામાં આવી રહી છે રસી

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે.

X

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન હોવાથી પ્રતિ દિવસ 1 લાખથી વધુ મુસાફરો અહીંથી અવરજવર કરે છે, ત્યારે અહીં પણ હવે વેક્સિનેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનના 2 પ્લેટફોર્મ પર સવારથી સાંજ સુધી લોકોને વેક્સિન મુકવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં દરેક લોકોને વેક્સિન મળી રહે તેવા પ્રયાસો સાથે AMC દ્વારા અલગ અલગ સ્થળો પર રસી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલી વેન્ડર તેમજ આસપાસ કામ કરતા લોકો સહિત બહારથી આવતા અને અમદાવાદથી જતાં તમામ મુસાફર-યાત્રિકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અહીં આવતા દરેક લોકોને વેક્સિન પ્રત્યે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

અહીં માત્ર યાત્રિકો જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી આવતા લોકોને પણ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. AMCના તબીબ ડો. ધર્મિષ્ઠા પટેલ જણાવ્યુ હતું કે, AMCના સહયોગથી આ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ દિવસ 200થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તો સાથે જ રેલ્વે સ્ટેશને કામ કરતા દરેક લોકોને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત અહી આવતા લોકો કોરોના સ્પ્રેડર ન બને તે માટે રેલ્વે દ્વારા પણ એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે સ્ટેશન ખાતે વેક્સિન સેન્ટર શરૂ થવાથી અનેક લોકોને ફાયદો થઈ રહ્યો છે. આમ કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા સ્થાનીય તંત્ર દ્વારા તમામ લોકોને વેક્સિન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story