અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમરેલી નવા માર્કેટીંગ યાર્ડમાં બનેલી ઘટના અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટીંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં ગત શનિવારે 5 જેટલા શ્રમિકો ઘઉઁની ગુણીઓ ખાલી કરી રહ્યા હતા, ત્યારે તેમની આસપાસ ઘઉંની સેંકડો ગુણીઓના થપ્પા લાગેલા હતા. જેમાંથી એક થપ્પો આંખના પલકારામાં શ્રમિકો પર ધસી પડ્યો હતો. શ્રમિકો કંઈ સમજે તે પહેલા જ 500 જેટલી વજનદાર ગુણીઓ તેમની માથે પડતા પાંચેય શ્રમિકો દબાયા હતા. અકસ્માતના પગલે અન્ય શ્રમિકો અને ગોડાઉન માલિકમાં દોડધામ મચી હતી. આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ કનક નામના 30 વર્ષીય શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે જયંતી ભેસાણીયા, ભાલા ગોહિલ, ધનસુખ ભેસાણીયા અને નટુ ભાલુ નામના શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 4 પૈકી 3 શ્રમિકોને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, 2 દિવસ પહેલા બનેલી આ ઘટનાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે એક શ્રમિકનું મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.