Connect Gujarat
ગુજરાત

અમરેલી : હાલરિયામાં બાળકી ઉપર હુમલાની ઘટના બાદ 24 કલાકમાં જ 2 સિંહણ પાંજરે કેદ થઈ...

જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી

X

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે આ મામલે વન વિભાગે 24 કલાકમાં 1 બાહી પણ 2 સિંહણને પાંજરે કેદ કરી લીધી છે. પરંતુ સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે, સિંહો શાંત સ્વભાવના હોય છે, ત્યારે સિંહો દ્વારા માનવી ઉપર હુમલાની ઘટના કેમ ઘટે છે. જુઓ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...

અમરેલી જિલ્લામાં વસતા સિંહો અને બૃહદ ગીરમાં વસતા સિંહોનું સામ્રાજ્ય ફૂલ્યું ફાલ્યું છે, ત્યારે સિંહોના માનવ ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. બગસરા તાલુકાના હાલરીયા ગામે સોનું ડામોર નામની 5 વર્ષની બાળકીને વન્યપ્રાણીએ ફાડી ખાધાની ઘટના ઘટી હતી. પરપ્રાંતીય શ્રમિક પરિવારની દીકરીના માત્ર હાથ-પગના અવશેષો મળ્યા હતા. ફૂટ માર્ક પરથી સિંહણે માનવ હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો વનવિભાગ દ્વારા જાણવા મળી હતી. આ ચકચારી ઘટનાથી એક ફૂલ જેવી બાળકીના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

જોકે, બાળકીના મોત બાદ અમરેલી જિલ્લા વન વિભાગ દ્વારા 3 જેટલા પાંજરા ગોઠવીને માનવભક્ષી સિંહણ પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5 લાખની સહાય મૃતકના પરિવારજનોને ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતીમાં અર્પણ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં તુલસીશ્યામ, મિતિયાળા જંગલ વિસ્તાર સાથે જિલ્લાના 11 તાલુકા મથકોમાંથી 10 તાલુકા મથકોમાં સિંહોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. સિંહો બને ત્યાં સુધી ક્યારેય માનવ હુમલાઓ કરતા નથી, પણ અમરેલી જિલ્લામાં ટૂંકા ગાળામાં જોઈએ તો જાફરાબાદના જીકાદ્રીમાં મેટિંગ પિરિયડમાં સિંહ-સિંહણને પરેશાન કરતા 1 યુવકને સિંહણે ફાડી ખાધી હતી. તો ખાંભાના નાની ધારી, સાવરકુંડલાના આદસંગ ઘનશ્યામ નગરમાં 2 માનવ હુમલાઓ, સાવરકુંડલા શહેરમાં સિંહણનો માનવ હુમલો, લીલિયા પંથકમાં સિંહ હુમલાની ઘટનામાં માનવ મૃત્યુ થયા છે. જે અંગે સિંહ પ્રેમીઓએ સિંહોના માનવ હુમલા અંગે સિંહ જોવાની ઘેલછા અને સિંહોની પજવણી મુખ્ય કારણ દર્શાવી રહ્યા છે.

સિંહોના માનવ હુમલાઓ અને સિંહોની સિક્સસેંથ અંગે જોઈએ તો ક્યારેય સિંહો વાડી ખેતર કે, રસ્તામાં સામે મળી જાય તો પણ બાજુમાંથી સિંહ પસાર થઈ જતા હોય છે. સિંહ-સિંહણ ક્યારેય હુમલો કરતા નથી, પણ સિંહોની પજવણી અને સિંહ જોવા વાળાની ખલેલને કારણે સિંહો અકળાઈ ઉઠે છે. પોતાની મરજીના માલિક ગણાતા સિંહોને એકાંત પસંદ હોય છે. પણ સોશીયલ મીડિયામાં રિલ ચડાવવાનું ગાંડપણ અને સિંહોને સામાન્ય પ્રાણી સમજનારા અબૂધ લોકોને કારણે સિંહો માનવ હુમલાઓ કરે છે. અથવા માંસ મટન મચ્છી ખાધેલા પરપ્રાંતીય લોકો સાવચેતી રાખતા ન હોવાથી સિંહ શિકારની શોધમાં સુગંધના આધારે હુમલાઓ કર્યા હોવાની પણ વિગતો સપાટો પર આવી છે.

સિંહોની જાળવણી અને સુરક્ષાની જવાબદારી નિભાવતા વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષામાં છીંડાં વધુ હોવાનો આક્ષેપ પણ પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ કરતા હોય છે, ત્યારે સરકાર સિંહોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી હોય અને સિંહોને બચાવવા અને સિંહોને વધુ સુરક્ષિત થાય તેવા પ્રયત્નો સહિયારા પ્રયાસથી જ સંભવ છે. તો જ દેશની આંન બાન અને શાન ગણાતા સિંહોના માનવ હુમલાની ઘટનાઓ ઘટશે...

Next Story