ગુજરાત રાજ્યમાં માર્ગ પર સગર્ભા મહિલાઓને ડિલિવરીની ઘટનાઓ બની છે, પણ મધ દરીયામાં અધવચ્ચે સગર્ભા મહિલાની ડિલિવરીની ઘટના અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ નજીક સર્જાય હતી, જ્યાં સગર્ભા મહિલાને દેવદૂત સમાન 108ના કર્મચારીઓએ બોટમાં જ સફળ ડિલિવરી કરાવી હતી.
જાફરાબાદ અને રાજુલાના દરિયા વચ્ચે આવેલ ટાપુ શિયાળ બેટ 12 હજાર જેટલા લોકોની વસ્તી ધરાવે છે, પણ આ ટાપુ આરોગ્યની સુવિધાઓમાં શૂન્ય હોય, ત્યારે ગઈકાલે શિયાળ બેટની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ત્વરિત 108ને જાણ કરતા પીપાવાવની 108 સેવાનો સ્ટાફ શિયાળ બેટ ટાપુ પહોંચીને સગર્ભા મહિલાને હોડી મારફતે હોસ્પિટલમાં ખસેડી રહ્યા હતા. તે દરમ્યાન સગર્ભા મહિલાને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે 108ના સ્ટાફે હોડીમાં સાડીઓની આડસ ઉભી કરીને સગર્ભા મહિલાને સફળ પ્રસૂતિ કરાવી હતી. જોકે, આ દરમ્યાન હોડીમાં ડિલિવરી કરવાની અભૂતપૂર્વ ઘટના નિર્માણ પામી હતી. દરિયા વચ્ચે સગર્ભાએ ફુલ જેવી દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ હોડીને કાંઠે લાવીને 108 મારફતે મહિલા તેમજ બાળકીને રાજુલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
જાફરાબાદ રાજુલાના દરિયા વચ્ચે આવેલા શિયાળબેટ ટાપુથી રાજુલા જાફરાબાદ જવામાં હોડીનો જ ઉપયોગ થતો હોય, ત્યારે છેલા 3-4 વર્ષથી વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય અંબરીશ ડેરે અનેકવાર માંગણીઓ કરી છે. સરકાર હકારાત્મક રહી છે, પણ હજુ સુધી દરિયા વચ્ચે 108 જેવી સુવિધાઓ વહેલી તકે ચાલુ થાય તે જરૂરી છે. રાજુલાના પીપવાવપોર્ટથી 30 મિનિટના દરિયાઈ રસ્તે આવેલ શિયાળબેટ ટાપુની મહિલાને મધદરિયે પ્રસૂતાની ડિલિવરી કરાવવાની ઘટના બાદ ફરી દરિયાઇ 108 ચાલુ કરવાની માંગ પ્રબળ બની છે.
જોકે, રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે માતા અને બાળકને અડધો દિવસ ઓબ્જર્વેશનમાં રાખી સારવાર અને તપાસ બાદ તબિયત સારી જણાતા રજા આપવામાં આવી હતી. દરિયાની વચ્ચે ડિલિવરી 108એ સફળતા પૂર્વક સાગર્ભયાને ડિલિવરી કરવી માનવ જિંદગી બચાવવામાં સહભાગી 108ના જિલ્લા અધિકારીએ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.