અવિરત વરસેલા વરસાદથી ખેડૂતો ચિંતિત
મગફળીના પાકને પહોંચ્યું નુકસાન
સુકવેલો પાક વરસાદમાં પલળી જતા નુકસાન
વરસાદને કારણે મગફળીમાં અંકુર ફૂટી નીકળ્યા
વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી
અમરેલી જિલ્લામાં વરસેલા અવિરત વરસાદને પગલે મગફળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.વધુમાં કાપણી કરીને પાથરેલો મગફળીનો જથ્થો પણ વરસાદમાં પલળી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી પંથકના ખેતી આધારિત ગોરડકામાં ખુલ્લા ખેતરોમાં તૈયાર મગફળીના પાથરા સતત વરસાદથી પલળીને પાણીમાં લથપથ થઇ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસેલા વરસાદમાં મગફળીના તૈયાર પાથરાનું ખાતર કરી નાખે તેવી સ્થિતિ વરસાદે કરી છે.આ વર્ષે મગફળીનો પાક ખુબ જ સારી માત્રામાં આવ્યો હતો પરંતુ વરસાદ વેરી બનતા ખેડૂતોના મોમાં આવેલો કોળીયો જુટવાય ગયો હોવાની પ્રતીતિ ખેડૂતો કરી રહ્યા છે. મગફળીના પાથરા તૈયાર હતા યાર્ડમાં વેચવા પહોંચે તે પહેલા વરસાદ વરસતા તૈયાર મગફળીનો પાક બગડી ગયો છે.આ ઉપરાંત મગફળી ની અંદર બીજ અંકુરિત થઈ જતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સારા વરસાદથી 20 વીઘાની મગફળીમાં ખૂબ સારો પાક તૈયાર થયો હતો,પરંતુ ખેડૂતોને આ વર્ષ ફળદાયી થવાની આશાઓ પર સતત વરસાદે પાણી ફેરવી દીધુ હતું. મગફળીના પાથરા તૈયાર હતા અને વરસાદ વિલન બન્યો હતો. ત્યારે સરકાર આવા ખેડૂતોની વ્હારે આવે તો જ ખેડૂત નુકસાનમાંથી બચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જ્યારે સરકાર નુકસાનીનો સર્વે કરાવે છે,પણ ખેડૂતો સુધી સર્વે બાદની સહાય પહોંચતી ન હોવાનો વસવસો પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.