સાવરકુંડલામાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસને લઈ ફફડાટ
વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા દોડધામ
આરોગ્ય વિભાગે વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો
પશુપાલન વિભાગ દ્વારા ગૌશાળામાં પશુઓની તપાસ કરાય
29 જેટલા પશુઓમાંથી 5 પશુઓના બ્લડ ચેમ્પલ લેવાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માનવ મંદિર વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, જ્યારે પશુપાલન વિભાગ દ્વારા ગૌશાળામાં પશુઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો એક શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ ગંભીર બીમારીના સંકેતો મળતા જ આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને વધુ સારી અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ કેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. જોકે, કોંગો ફીવર પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોવાથી, આ ઘટનાના પગલે પશુ વિભાગે માનવ મંદિર નજીક ગૌશાળામાં રહેતા પશુઓની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જેમાં 29 જેટલા પશુઓમાંથી 5 પશુઓના બ્લડ ચેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે હાલ તો કોંગો ફીવરના શંકાસ્પદ કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
જો, કોંગો ફીવરના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, માંસપેશીમાં દર્દ થવું, માથાનો દુઃખાવો રહેવો, ચક્કર આવવા, પીઠનું દર્દ થવું, આંખોમાં બળતરા થવી, ગળું બેસી જવું, ઝાડા ઉલટી થવા, શરીરના છિદ્રોમાંથી લોહી આવવું. કોંગો ફીવરના લક્ષણો મનુષ્યમાં 3થી 9 દિવસમાં ફેલાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ તમને કોંગો ફીવરના લક્ષણો દેખાય ત્યારે તરત જ તબીબનો સંપર્ક કરવો, અને તમામ તપાસ કરાવી તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો આ રોગ જીવલેણ પણ બની શકે છે.