હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મચ્યો હોબાળો
આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં નીકળતી જીવાત
અવારનવાર જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા
પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરાય
મામલો ગરમાતા પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, ત્યારે અવારનવાર જીવજંતુઓ નીકળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ગત તા. 22મી સપ્ટેમ્બર-2024ના રોજ સવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો જોવા મળ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં આવાર-નવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
જોકે, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.