-
ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો પરેશાન
-
ગોકળ ગતિએ ચાલતી કામગીરીએ લોકોની મુશ્કેલી વધારી
-
ગટરની કામગીરીમાં રસ્તા પણ બન્યા બિસ્માર
-
સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ
-
વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સી અને નગરપાલિકાની ઢીલીનીતિના કારણે નગરજનો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે.જાહેર માર્ગો ભૂગર્ભ ગટરની પાઇપલાઇન માટે ખોદી નાખ્યા બાદ તેને ફરી રીપેર ન કરતા માર્ગ બિસ્માર બનતા ટ્રાફિક સમસ્યા સાથે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં પાકા રોડ તોડી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવાની કામગીરી અગાઉ પણ કરવામાં આવી હતી,પરંતુ તેમાં બાકી રહેલી અને ન્યુ ડેવલોપ થયેલા એરિયામાં ભૂગર્ભ લાઇન નાખવા માટે ફરી એકવાર એજન્સીને કામ આપવામાં આવ્યું છે.ત્યારે એજન્સી દ્વારા જે વિસ્તારમાં રોડ ખોદી નાખવામાં આવ્યા છે તે રોડ ફરી પેચ વર્ક ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અંદાજિત 94.30 કરોડના ખર્ચે એજન્સીને આ કામ કામગીરી આપવામાં આવી છે. ત્યારે એજન્સી દ્વારા ખોદેલા રોડ છેલ્લા દોઢ મહિનાથી ઉબડ ખાબડ સ્થિતિમાં જ જોવા મળી રહ્યા છે. પાલનપુરના જહાનારા બાગ થી આઈ.ટી.આઈ જતા રોડ ઉપર હાલમાં આ એજન્સી દ્વારા ખોદેલા રોડ બિસ્માર બનતા સ્થાનિકો, દુકાનદારો એજન્સીની બેદરકારી અને પાલિકાની એજન્સી સામે કોઈ જ પ્રકારની કડક કાર્યવાહી ન કરવામાં આવતા મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે.
પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન સર્જાયેલી મુશ્કેલી અંગે નગરપાલિકા ચીફ ઓફિસર જે.જે. પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આ મામલે એજન્સીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને વહેલી તકે આ ખોદેલા રોડોનું પેચિંગ વર્ક શરૂ કરવામાં આવે તેવી જરૂરી સૂચના આપવામાં આવી છે.જોકે એજન્સી દ્વારા પણ વહેલી તકે શહેરના રોડની રીપેરીંગની કામગીરી શરૂ કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે.