બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે પથ્થરમારો થતાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગઢ પોલીસ મથકે ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધવા સહિત કેટલાક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પાલનપુર તાલુકાના મોટા ગામમાં લગ્નપ્રસંગે સાફો પહેરવાની બાબતમાં વરઘોડા પર પથ્થરમારો થયો હતો. દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં ગામનું વાતાવરણ તંગ બન્યું હતું. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ઉગ્ર મામલાને સંભાળ્યો હતો. આ સાથે જ કાંકરીચાળો કરનાર 3 લોકોની અટકાયત કરી અન્ય લોકોના ટોળા વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. મોટા ગામમાં લગ્નપ્રસંગે આગળ નીકળનાર વરઘોડામાં દલિત યુવાનના પરિજનોએ પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું. જોકે, ત્યારબાદ ગામમાં ઘર્ષણ, તંગદિલી અને વાતાવરણ ન બગડે તે હેતુથી દલિત યુવકના પરિવારે વરઘોડો નહીં કાઢી સાદગીપૂર્વક લગ્ન સ્થળે જવાનું નક્કી કર્યું હતું.