દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા રાજેન્દ્ર પાલના ધર્મ પરીવર્તન અંગેના નિવેદન બાદ ગુજરાતમાં રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યના વિવિધ મહાનગરોમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલના મુસ્લિમ પોષાક પહેરેલા બેનર લગાવી નિશાન સાધવામાં આવી રહયું છે.
દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ થયું હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે.'હું ઈશ્વરને માનીશ નહીં' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલની નાટક મંડળી નો ચહેરો ખુલ્લો પડ્યો છે, આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. ભૂતકાળમાં પણ ટુકડે ટુકડે ગેંગ દ્વારા એન્ટી ઇન્ડિયા માટે નારા લાગતા હતા તે સમયે કેજરીવાલ આ ટુકડે ટુકડે ગેંગ સમર્થનમાં તેમની સાથે ઊભા રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ચાવવાના દાંત અને બતાવવાના દાંત જુદા છે.