Connect Gujarat
ગુજરાત

"ભારત વિકાસ પરિષદ" : નવજાત શિશુને પ્રથમ પહેરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી એકમાત્ર સંસ્થા...

ભારત વિકાસ પરિષદ : નવજાત શિશુને પ્રથમ પહેરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી એકમાત્ર સંસ્થા...
X

સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે ખેડા જિલ્લાના ભારત વિકાસ પરિષદ-કપડવંજ દ્વારા લોકસેવાની સુવાસ ફેલાવવામાં આવી રહી છે. કપડવંજની ભારત વિકાસ પરિષદ દ્વારા ટિફિન સેવા, નવજાત શિશુને પ્રથમ પહેરણ, પાંજરાપોળમાં અબોલા પશુઓને ઘાસચારો, માનવસેવા મંડળ કપડવંજની ટિફિન યોજનામાં કાયમી તિથી, થેલેસેમિયાગ્રસ્ત એક બાળકને દત્તક લઇ આર્થિક સહયોગ પ્રકલ્પ, વિકલાંગ સહાયતા પ્રોજેક્ટ અને રક્તદાન શિબિર સહિતના વિવિધ સેવાકાર્યો વર્ષોથી કરવામાં આવી રહ્યા છે.

વર્ષ ૧૯૬૩માં દિલ્હી ખાતે ભારત વિકાસ પરિષદની પહેલી શાખા શરૂ કર્યા પછી આજે સમગ્ર દેશમાં પરિષદની બે હજાર ઉપરાંત શાખાઓ છે. ભારત વિકાસ પરિષદ ભારતભરના દરેક પ્રાંતોમાં તેની શાખાઓ ધરાવે છે તે જ રીતે ગુજરાત રાજ્યમાં ગુજરાત મધ્ય, ગુજરાત ઉત્તર અને ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ એમ ત્રણ પ્રાંતમાં વહેચવામાં આવેલ છે. આજે ગુજરાત રાજ્યમાં કુલ 82 શાખાઓ કાર્યરત છે. આજે દેશના 75,૦૦૦ પરિવાર એટલે કે, લગભગ 1,90,000 સભ્યો નિ:સ્વાર્થભાવે સમાજ ઉત્થાન અને સેવા કાર્યો કરી રહ્યા છે. પરિષદના કાર્યમાં સ્વ. મહાદેવી વર્મા, સ્વ. લાલા હંસરાજ ગુપ્તા, સ્વ. ડો. લક્ષ્મીમલ્લ સિંઘવી જેવા મહત્વપૂર્ણ વ્યક્તિત્વ જોડાયેલ રહ્યા છે. વર્તમાનમાં સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કાશ્મીરના પૂર્વ ગર્વનર જગમોહનજી, ન્યાયમૂર્તિ એસ. પર્વતરાવ, ન્યાયમૂર્તિ ડી.આર.ધાનુકા, ન્યાયમૂર્તિ તથા ચંદીગઢના પૂર્વ રાજ્યપાલ વિષ્ણુ સદાશિવ કોકજેજી. ગુજરાતમાં સુરેશકાકા, અજીત શાહ, વલ્લભ રામાણી, ચૈતન્ય ત્રિવેદી, વિનોદ શાહ, ફાલ્ગુન વોરા સહિતના આદિ ગણમાન્ય વ્યક્તિઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે.

ખેડા જિલ્લાના ભારત વિકાસ પરિષદ-કપડવંજના પ્રમુખ ડૉ. જગજીતસિંહ ચૌહાણ મંત્રી રાહુલ પરમાર સહિત ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ ટિફિન સેવા પ્રકલ્પમાં, ટિફિન દાતા પરિવારે દર મહિનાની નક્કી કરેલ તારીખે માત્ર એક ટિફિન આપવાનું હોય છે. ટિફિન બે ડબ્બાનું અને તેમાં ટિફિન દાતાએ પોતાના ઘરે બનાવેલ રોટલી અને શાક આપવાનું હોય છે. સાથે જ છેલ્લા ચાર વર્ષથી નવજાત શિશુને પ્રથમ પહેરણ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કપડવંજના ગાયનેક વિભાગમાં ટિફિન સેવા શરૂ કર્યાના એક વર્ષ બાદ ભારત વિકાસ પરિષદની મહિલા સંયોજિકા નયના પટેલના નેતૃત્વમાં જન્મ લેતા પ્રત્યેક બાળકને નાની નાની ગોદડી આપવાની શરૂઆત કરવામાં આવી પછી પ્રથમ પહેરણ આપવામાં આવે છે. આ ગાયનેક વિભાગમાં દરરોજના લગભગ દશ બાળકોનો જન્મ થાય છે. વર્ષ 2018 થી નવજાત શિશુને પ્રથમ પહેરણ આપવામાં આવે છે. ડિસેમ્બર-2021 સુધીમાં કુલ 5824 બાળકોને પ્રથમ પહેરણ ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખા દ્વારા આપવામાં આવ્યા છે. ઉપરાંત છેલ્લા એક વરસથી પાંજરાપોળમાં અબોલા પશુઓને ઘાસચારો, માનવસેવા મંડળ કપડવંજની ટિફિન યોજનામાં કાયમી તિથી પણ નક્કી કરવામાં આવી છે. સાથે જ થેલેસેમિયાગ્રસ્ત એક બાળકને દત્તક લઇ આર્થિક સહયોગ પ્રકલ્પ પણ કરવામાં આવ્યો છે. ભારત વિકાસ પરિષદ દ્વારા વિકલાંગ સહાયતા પ્રોજેક્ટ, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, ગુરુવંદન છાત્ર અભિનંદન, ગ્રામ દત્તક યોજના, સામુહિક સરળ વિવાહ, પરિવાર મિલન, વિચાર ગોષ્ટિ, પીકનીક, વનવાસી સહાયતા, નેત્રદાન, તેજસ્વી છાત્ર સહાયતા તથા સત્કાર, હાલરડાં સ્પર્ધા, લગ્નગીત સ્પર્ધા, રક્તદાન શિબિર, ફરતું દવાખાનું વિગેરે પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિષયને લઈને વક્તૃત્વ, નિબંધ, ગીત, ચિત્ર, વેશભુષા વિગેરે પ્રકારની સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓમાં રક્તદાન કેમ્પ જ્યારથી ભારત વિકાસ પરિષદની સ્થાપના કપડવંજ ખાતે છેલ્લા સોળ વર્ષથી યોજવામાં આવે છે.

Next Story