New Update
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે વકફ બોર્ડના ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતી આચરવાના ગુનામાં જીઆઇડીસી પોલીસે ઝડપેલ 2 આરોપીઓના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
અંકલેશ્વરના કોસમડી ગામે વકફ બોર્ડના બનાવટી દસ્તાવેજોના આધારે છેતરપિંડી આચરવાના ગુનામાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ભરૂચ સબ જેલમાંથી આરોપી અમરેલીના ઇકબાલ ઇસા આદમ દરૈયા અને વકફ બોર્ડના ફરજ પરથી દુર કરેલા અફસાનાબાનું મોહંમદ રફીક બાગબાનની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓએ બનાવટી દસ્તાવેજો ક્યાં બનાવ્યા હતા તેમને મદદગારી કોણે કરી હતી અને આ સમગ્ર મામલમાં તેઓએ કેવી રીતે રૂપિયા લીધા હતા તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેના આધારે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ તમામ પ્રશ્નોનો જવાબ મેળવવા પોલીસે હવે કવાયત હાથ ધરી છે.પોલીસ તપાસ બાદ આ મામલામાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
આ મામલામાં કોસમડી ગામની સીમમાં આવેલ ખાતા નંબર-378 બ્લોક સર્વે નંબર-809 વાળી મિલકત અંગેનો ભાડા પટ્ટાનો કરાર લઈને કોસમડી મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજીસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા વિરુધ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી અગાઉ છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓ બશીર ઇસ્માઇલ પટેલ,યુશુફ મોહંમદ નાંધલા સહિત ત્રણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા વકફ બોર્ડના ગુનામાં સંડોવાયેલા આ બે આરોપીની ભરૂચ સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી.અગાઉ તેઓ બી ડિવિઝન પોલીસ મથકના આ જ પ્રકારના ગુનામાં સબજેલમાં બંધ હતા.
Latest Stories