/connect-gujarat/media/media_files/2025/12/25/bhrcass-2025-12-25-17-58-33.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ નગરના મુખ્ય બજારમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતા 10 વર્ષીય બાળક નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ નગરના નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતો 10 વર્ષીય દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામનો બાળક મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતો હતો. આ દરમ્યાન કોઈ કારણોસર દેવરાજ વાઘેલા શોપિંગ સેન્ટરના ચોથા માળેથી નીચે પટકાયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ટોળે વળ્યા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ તેનો પરિવાર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોતાના બાળકને લોહીલુહાણ હાલતમાં જોઈ પરિવાર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો. તો બીજી તરફ, માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતા બાળકનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ સતત સામે આવતી હોય છે. જોકે, માતા-પિતાએ પણ સતર્ક થઈ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી આવી મોટી દુર્ઘટના ટણી શકે.