કમોસમી માવઠાના પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી-પાકને મોટું નુકશાન
આમોદ અને અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના ધરણાં પ્રદર્શન
ખેડૂતોના વળતર અંગે મામલતદાર કચેરીએ રજૂઆત
તંત્રને આવેદન પત્ર આપી સહાય આપવા માંગ કરાય
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેતી-પાકને વ્યાપક નુકશાન થયું છે, ત્યારે આમોદ અને અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી વહેલી તકે ખેડૂતોને ના વળતર અંગે ધરણાં પ્રદર્શન યોજી આમોદ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી હતી, ત્યારે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વળતર અંગે ધરણાં પ્રદર્શન યોજી આમોદ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અગાઉ વરસેલા વરસાદના પગલે ગુજરાતભરમાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. જેના પગલે સરકારે સહાયની જાહેરાત કરી હતી. જે સહાય ખેડૂતોને આજદિન સુધી મળવા પામી નથી, તેવા ગંભીર આક્ષેપ સાથે કોંગી આગેવાનોએ તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું. જો સરકાર આવનારા દિવસોમાં ખેડૂતોને સહાય પેકેજ જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં વહીવટી તંત્રને મહત્વપૂર્ણ માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને મગફળી, ડાંગર અને કપાસ જેવા મુખ્ય ખરીફ પાકને ગંભીર અસર પહોંચી છે. ખેડૂતોની હાલત કફોડી બનતા અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરીએ તાત્કાલિક સહાય અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું છે કે, યુપીએ સરકારના સમયની જેમ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરાય, કમોસમી વરસાદને કારણે મગફળીમાં વધેલા ભેજને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવ હેઠળ ભેજયુક્ત મગફળી ૩૦૦ મણ સુધી ખરીદી લેવામાં આવે, તેમજ આવનારી રબી સિઝન માટે ખાતર અને બિયારણની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિએ અંતમાં રાજ્ય સરકારને અપીલ કરી છે કે, આ મુદ્દાને હકારાત્મક રીતે લઈ ખેડૂતોને વાસ્તવિક રાહત આપે. જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને ન્યાય મળી શકે અને તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે.