ભરૂચ નર્મદા નદીના ફ્લડ ઝોનમાં થતું બાંધકામ કેટલું યોગ્ય? આડેધડ આપવામાં આવતી પરવાનગી અનેક વિસ્તારને ડુબાડશે!

ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે

New Update

ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે,અને જેનો ભોગ વર્તમાન સમયમાં વડોદરા શહેર બન્યું છે.આશ્ચર્યની વાત એ છે કે હવે ભરૂચ પણ આ ઘટનાનો ભોગ બની રહ્યું છે.

ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચેથી વહેતી નર્મદા નદીના શીતળ અને મીઠા પાણી થકી ખેડૂતો સારામાં સારો ખેતીમાં પાક મેળવીને જીવન નિર્વાહ પસાર કરી રહ્યા છે,પરંતુ ખેતી માટે સંજીવનીરુપ નર્મદા નદીનું પાણી જ ખેડૂતો માટે પૂર રૂપી આફત બનીને ખેતીને વેરણ છેરણ કરી રહ્યા છે.જેના માટે નદીના ફ્લડ ઝોનમાં આડેધડ કરવામાં આવતું કોંક્રીટ નું બાંધકામ જવાબદાર હોવાની ફરિયાદ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે.ભૂતકાળમાં જ્યારે તાપીના પુરે સુરતને બાનમાં લઈને હજારો લોકોને મુશ્કેલરૂપ પરિસ્થતિમાં મૂકી દીધા હતા,જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર 2023માં નર્મદા નદીમાં આવેલા ઘોડા પૂરથી અંકલેશ્વરની દયનીય હાલત બની ગઈ હતી,અને પૂરગ્રસ્ત લોકો લાચાર બનીને મદદ માટે પોકાર કરી રહ્યા હતા, હવે વર્તમાન સમયમાં પણ નર્મદા નદીની જળસપાટી 27 ફૂટ નજીક પહોંચતા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી જમા થયા છે અને અંદાજીત 300 થી વધુ લોકોનું વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. હજી ભરૂચમાં પૂર પરિસ્થતિમાં નુકસાનનો રાજ્ય સરકાર ચોક્કસ તાગ મેળવે ત્યાર પહેલા વડોદરાને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ જળ તરબોળ કરી દીધું હતું.અને કહેવાય છે કે જે વિસ્તારમાં ક્યારે પણ પૂરનું પાણી પહોંચ્યું નથી તેવા વિસ્તારો પણ પૂરની થપાટમાં પાણી પાણી થઇ ગયા હતા,જેનું મુખ્ય કારણ નદીના ફ્લડ ઝોનમાં સરકારી બાબુઓ દ્વારા આડેધડ કોઈ પણ પ્રકારના આયોજન અને દીર્ઘ દ્રષ્ટિ વિહીન આપવામાં આવતી બાંધકામની પરવાનગી હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહી છે.  

સુરત ,ભરૂચ અને હવે વડોદરામાં પૂરની દયનિય સ્થિતિને જોતા અંકલેશ્વર તાલુકાના માંડવા બુજર્ગ ગામમાં રહેતા અને પર્યાવરણવાદી હસમુખ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષા સુધી તેઓએ લેખિતમાં નદીના ફ્લડ ઝોનમાં થતા બાંધકામને અટકાવવા માટે રજૂઆત કરી છે,પરંતુ તંત્ર દ્વારા તેમની રજૂઆત સંદર્ભે કોઈ જ ગંભીરતા દાખવવામાં ન આવતા પૂર પ્રભાવિત સિવાયના વિસ્તારો પણ હવે પૂરનો ભોગ બની રહ્યા છે.જો હજુ પણ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી શક્યતાને નકારી શકાય નહીં.વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે ભરૂચ ગોલ્ડન બ્રીજ થી અંકલેશ્વર તરફ ફ્લડ પ્લેન ઝોન છે,જેમાં પણ હવે પાકું બાંધકામ કરવામાં આવી રહ્યું છે,તો જિલ્લા કલેકટર દ્વારા આ અંગે ત્વરિત પગલાં લઈને બાંધકામને અટકાવવુ જોઈએ,ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વાર ગંગા નદી સહિત સહાયક નદીઓ માટે  એક જાહેરનામું બહાર પાડીને ફ્લડ પ્લેન ઝોનમાં કોઈપણ પ્રકારના બાંધકામની પરવાનગી આપવા માટે મનાઈ કરવામાં આવી છે.ત્યારે ગુજરાત રાજય સરકાર દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.વધુમાં હસમુખ પટેલે ઓડિશા અને મદ્રાશ હાઈકોર્ટે પણ NGTના સંદર્ભે ચુકાદો આપ્યો હતો,જેમાં ફ્લડ પ્લેન ઝોનને મુક્ત રાખવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.         

Latest Stories